સ્વામિનારાયણના સંતને ભાજપે આપી ટિકિટ:ડીકે સ્વામીએ કહ્યું- હું યોગી આદિત્યનાથથી પ્રભાવિત

By: nationgujarat
04 Dec, 2022

આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે. આ વખતે ભાજપે અનેક નવા ચહેરાઓને સ્થાન આપી ચોંકાવ્યા છે. એમાં પણ ભાજપે આ વખતે યુવાઓ પર વધુ ફોકસ કર્યું છે. ભાજપે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ચહેરાઓ ઉતાર્યા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં જ્યાં ધર્માંતરણની અનેક ફરિયાદો આવી રહી છે ત્યાં ભાજપે સ્વામિનારાયણના સંતને ટિકિટ આપી છે.

ભગવાં વસ્ત્રો, ગળામાં માળા અને કપાળ પર તિલક લગાવતા સ્વામિનારાયણના સંત ડીકે સ્વામીને જંબુસર બેઠક પરથી ભાજપે રણસંગ્રામમાં ઉતાર્યા છે. આમોદના નાહિયેર ગુરુકુળના સંત અને ભરૂચ સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના સંચાલક ડીકે સ્વામીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. માત્ર 9 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનાર દેવકિશોરજી સાધુ, એટલે કે ડીકે સ્વામી અનેક વર્ષોથી ભાજપ અને સંઘ સાથે જોડાયેલા છે.

આમોદમાં 150થી વધુ આદિવાસી પરિવારોના ધર્માંતરણ વચ્ચે જંબુસરમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી સામે લોકોમાં ભારે નારાજગી હતી. તેમણે અને તેમના પુત્ર બંનેએ આ વખતે ટિકિટ માગી હતી. જોકે 2017થી ટિકિટ માટે પ્રયાસો કરતા સક્રિય કાર્યકર ડીકે સ્વામીને આ વખતે ટિકિટ મળી છે. ડીકે સ્વામી સ્થાનિક હિન્દુ મતદારો પર મજબૂત પકડ ધરાવે છે. તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ છે.

દિવ્ય ભાસ્કરે ડીકે સ્વામી સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે સવાલોના ખૂલીને જવાબો આપ્યા હતા… ………..

2017માં નહોતી મળી, હવે ટિકિટ મેળવીને શું અનુભૂતિ થાય છે?
મને પાર્ટીએ ચાન્સ આપ્યો છે તો હું એનો પૂરેપૂરો લાભ ઉઠાવીને વિસ્તારમાં સારો વિકાસ અને લોકોનાં ખૂબ કામ કરીશ, એવી આનંદની અનુભૂતિ થાય છે.

જીતવા માટે પ્લાન શું છે?
જીતવા માટે પ્લાન એક જ છે, વિકાસ. મોદી સાહેબે કહ્યું છે એમ સૌનો સાથ, સૌનો વિકાસ.

BJPએ તમારી પસંદગી કેમ કરી?
હું 32 વર્ષથી ભાજપનો સક્રિય કાર્યકર છું. કાર્યકર્તાથી લઈને પાર્ટીના રૂલ અને પ્રોટોકોલ બધા જ ફોલો કરું છું. એને લઈને મારી પર વિશ્વાસ મૂક્યો છે અને જીતે એવા સારા કાર્યકર્તા તરીકે મને ટિકિટ આપી છે. હું સંત તો છું જ, પણ સાથે કાર્યકર્તા પણ છું. એક સંત અને એક કાર્યકર્તા એમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સારુંએવું કામ કરી શકે એ ભાજપમાં પોસિબલ છે, એટલે મને ટિકિટ આપી છે. એ બદલ હું જેપી નડ્ડા, નરેન્દ્ર મોદી, અમિત શાહ, સીઆર પાટીલ અને જિલ્લાના તમામ હોદ્દેદારોને આભાર માનું છું, જેમણે મારા પર પસંદગી ઉતારી. એમાં હું 100 ટકા ખરો ઊતરીશ એવો મને વિશ્વાસ છે.

સાધુજીવન અગાઉ તમારું નામ શું હતું? બાળપણ કેવી રીતે વીત્યું?
અમારામાં એવું નથી હોતું. હું હિન્દુ સંસ્કૃતિનો સાધુ છું. હું નાતજાતમાં નથી માનતો. હું સમરસતામાં માનું છું. હું સંઘનો કાર્યકર છું અને એના ઘણા કાર્યક્રમોમાં ભાગ લઉં છું. સંઘની ‘ભગવા નીચે સૌ સમાન’ એ ભાવના સાથે કામ કરી રહ્યો છું.

તમારો અભ્યાસ કેટલો છે?
મેં MA, B.ed કરેલું છે.


Related Posts

Load more