રિવાબાએ સાંસદ અને મેયરને જાહેરમાં ખખડાવ્યાં,પૂનમબહેનને કહ્યું- તમે જ સળગાવ્યું છે

By: nationgujarat
17 Aug, 2023

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવી ગયો છે. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ બાખડી પડ્યાં હતાં. જામનગરના લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

કોઈક વાતે બાજી બગડી ને રિવાબા બગડ્યા
જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા, ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ અને ભાજપના જ મેયર બીનાબેન કોઠારી સહિત અન્ય ભાજપના અગ્રણીઓ અને નેતાઓ હાજર હતાં ત્યારે કોઈક વાતે બાજી બગડતા ધારાસભ્ય રિવાબાએ મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમને બધાની સામે ખરી ખોટી સંભળાવી દીધી હતી.

ઓકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી: રિવાબા જાડેજા
ધારાસભ્ય રિવાબા જાડેજાએ પહેલાં મેયરને ખખડાવતાં કહ્યું હતું કે, ઓકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, સળગાવવાવાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહુ સ્માર્ટ બનવા જાય છે.

રિવાબા, મેયર- ઓકાતમાં રહો એટલે?, ડોળા ના કાઢો, આઘા વયા જાવ તમે મેયર સાથે વાત કરો છો.
રિવાબા- અવાજ નીચે રાખીને વાત કરો.
મેયર- અવાજ નીચે જ છે તમે જતાં રહો, તમે જ મને જોરથી બોલવાનું કીધું.

રિવાબા v/s સાંસદ
સાંસદ- એ મેયર છે તમારાથી મોટાં છે.
રિવાબા- સળગાવવાવાળા તમે જ છો હવે ઠારવાનો પ્રયાસ ના કરશો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહુ સ્માર્ટ બનવા જાય છે.

સી.આર.પાટીલે શું કહ્યું?
ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાતા ભાજપમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, હું આ ઘટના અંગે તપાસ કરાવીશ.

આ અમારો પારિવારિક મામલો: મેયર બીનાબેન કોઠારી
આ અંગે મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, આ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારિક મામલો છે, એમાં હું કંઇ કમેન્ટ કરવા માંગતી નથી.


Related Posts

Load more