રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં વહેલી સવારે આગ, 31 ફાયરની ગાડીઓ સ્થળ પર

By: nationgujarat
30 Jul, 2023

અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. જેને લઇને ફાયર વિભાગની 31 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. જ્યારે આગના કારણે 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આગ બેઝમેન્ટમાં લાગી હોવાથી કોઇ જાનહાનિ થઈ નથી.

ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવા અંદર ગયા હતા પરંતુ આગ સાથે ધુમાડો ખૂબ જ હોવાથી લાંબો સમય અંદર રહી શક્યા નહીં. આગ ઓછી છે પરંતુ ધુમાડો વધારે હોવાથી અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જરૂર પડશે તો હોસ્પિટલના પાર્કિંગની છત તોડવામાં આવી શકે છે. જોકે, હોસ્પિટલમાંથી ધુમાડો નીકળે તે માટેની વ્યવસ્થા નથી કારણ કે હોસ્પિટલમાં એક્ઝોસ્ટની વ્યવસ્થા નથી. જેના કારણે ધુમાડો વધુ થઈ રહ્યો છે.

દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા
રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે હાલ દર્દીઓને ખસેડવાની હોસ્પિટલ સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં 100 જેટલા દર્દીઓ હતા. જ્યારે હોસ્પિટલના બીજા માળે બે દર્દીઓ છે જેમની હાલત ગંભીર છે તેમને ICUમાંથી હટાવી શકાય તેવી સ્થિતિ નથી. ત્યારે અન્ય દર્દીઓને સામે આવેલી આનંદ હોસ્પિટલ તેમજ ઓસવાલ અને BAPS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે તમામ દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલમાં એક પણ દર્દી હોસ્પિટલમાં નથી.


Related Posts

Load more