રાજકોટ – ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય વચ્ચે તુતુ… મેમે…

By: nationgujarat
18 Jul, 2023

શિસ્ત બંધ પાર્ટી ગણાતી ભાજપના બે નેતા સામ સામે  આવ્યા છે. રાજકોટ ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે અણબનાવ જગ જાહેર આવ્યો છે. વાંકાનેરમાં રાજવી પરિવારના કેશરીદેવસિંહ ઝાલા રાજયસભામાં બિનહરીફ ચૂંટાતા તેમના સન્માન સમારોહ અને જાહેરસભામાં ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ‘ગાડા નીચે ચાલતા કુતરાએ ભાર ઉપાડયાનું અભિમાન લેવું ન જોઇએ’ તેવા વિધાન કર્યા હતા.

આ વિધાન જેમને સંભવત: લાગુ પડતા હતા તે વાંકાનેર ભાજપના લડાયક ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ સાંસદ આવું બોલ્યા હોય તો ઉંમરના કારણે બફાટ અને લવારો કર્યો હશે તેવો જવાબ આપ્યો છે.

જીતુભાઇ સોમાણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, 2022માં ભાજપે તેમને વિધાનસભાની ટીકીટ આપી ત્યારે પૂરા ભાજપ પરિવારના પ્રયાસોથી તેઓ ચૂંટાયા છે. પરંતુ તે બાદના વિજય સન્માન સમારોહમાં આ લોકો આવ્યા ન હતા એટલે હું પણ બે દિવસ પહેલાના સન્માન સમારોહમાં ગયો ન હતો. તેમાં જુથવાદની વાત નથી પરંતુ કોઇની માનસિકતા હોય તો ભાગલા પાડો અને રાજ કરો તેવા વિચારમાં રહેતા હોય છે.

મોહનભાઇ કુંડારીયાની ઉંમર થઇ ગઇ છે અને પગ નીચે ધરતી સરકી રહ્યાનું લાગતા બફાટ કરતા હશે. તેમને કુતરો કોને કહ્યો અને બળદ કોને કહ્યો તે મને માલુમ નથી. 2029 સુધી ભાજપના સાંસદ રહેવાના છે તેવું કહ્યું, રાજયસભામાં છ વર્ષ સુધી જ સાંસદ રહેતા હોય છે તે બધા જાણે છે.

2017 અને 2022માં સાંસદે તેમની વિરૂધ્ધ ચૂંટણીમાં કામ કર્યુ હતું. તેમને વ્યકિતગત વાંધો હોઇ શકે, પરંતુ પાર્ટીમાં શિસ્તને નુકસાન થાય તેવું કોઇ કાર્ય પોતે કરતા નથી. બાકી મોહનભાઇ કુંડારીયા શું કામ કરે છે તે લોકો અને મીડિયા જાણે છે. ભાગલા પાડવાની નીતિથી તેઓને કોઇ ફર્ક પડતો નથી.


Related Posts

Load more