રાજકોટવાસીઓને વધુ 10થી 12 જેટલી ટ્રેનનો લાભ મળી શકે છે

By: nationgujarat
06 Aug, 2023

શહેરનું ભક્તિનગર રેલ્વે સ્ટેશન અત્યાધુનિક બનશે. રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે વર્ચ્યુલી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટવાસીઓને વધુ 10થી 12 જેટલી ટ્રેનનો લાભ મળી શકે છે. અમદાવાદ સુધી સીમિત રહેતી ટ્રેનો રાજકોટ સુધી લંબાવાય તેવી સંપૂર્ણ શક્યતાઓ માટે રાજકોટના બંને સાંસદોએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે.

અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ભક્તિનગર રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે વર્ચ્યુલી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ભક્તિનગર રેલવે સ્ટેશનને આશરે રૂ.26.81 કરોડના ખર્ચે પુનઃ વિકાસ થશે. ભક્તિનગર સ્ટેશન બિલ્ડિંગનો બાહ્ય દેખાવ આકર્ષક બનાવવામાં આવશે. આ ઉપરાંત એન્ટ્રી ગેટ સુધારાશે, પોર્ટિકો કવર શેડ લાગશે. રેલવે સ્ટેશનના વેઇટિંગ, સિગ્નેજ અને લાઇટિંગમાં પણ સુધારો કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, રાજકોટને વંદે ભારત સહિતની મહત્વની એક્સપ્રેસ ટ્રેનો મળશે. રાજકોટ રેલવે સ્ટેશનને અંદાજે 10થી 11 ટ્રેન મળશે. રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ વધુ ટ્રેન મળે તે માટે રજૂઆત કરી છે. લાંબા રૂટની ટ્રેન જે અમદાવાદ સ્ટેશન પર 20 કલાકથી વધુ સમય રહેતી હોય તેવી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનમાં ઇલેક્ટ્રીફીકેશન તેમજ ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે.

રાજકોટ એ સૌરાષ્ટ્રનું સૌથી અગત્યનું શહેર માનવામાં આવે છે. અમદાવાદ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ દેશના અલગ-અલગ રાજ્યમાંથી સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં જવા માટે રાજકોટ શહેર એ જંકશન રૂપ છે. રાજકોટથી જ સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં જઈ શકાય છે, ત્યારે જો આગામી સમયમાં રાજકોટને વધુ ટ્રેન મળે છે, તો તે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ ફાયદારૂપ બની શકે છે.


Related Posts

Load more