રાજકોટની નવનિર્મિત એઈમ્સના પ્રેસીડેન્ટ પદેથી ફકત બે જ દિવસમાં ડો. કથીરીયાને હટાવવાનો નિર્ણય

By: nationgujarat
02 Sep, 2023

રાજકોટ: ગુજરાત ભાજપમાં સપ્ટેમ્બર માસ હંમેશા તોફાની જ રહ્યો છે અને તેઓ એક તરફ દક્ષિણ ગુજરાતના પત્રિકા કાંડથી રાજકોટના કવિતા કાંડ સહિતની એક બાદ એક ઘટના તથા સહકારી ક્ષેત્રમાં માતબર ગણાતા રાજકોટ લોધીકા સંઘના સભ્યો તેવા પુર્વ ધારાસભ્ય સહિત પક્ષના પાંચ નેતાઓને આપવામાં આવેલી નોટીસોનો વિવાદ હજુ શમ્યો નથી જ ત્યાં હજુ તા.18 ઓગષ્ટના રોજ રાજકોટ ‘એઈમ્સ’ના પ્રેસીડેન્ટ તરીકે પુર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટ-સૌરાષ્ટ્રના જાણીતા સર્જન અને ડો. વલ્લભભાઈ કથીરીયાની નિયુક્તિના ત્રણ દિવસમાં જ તેમની પાસેથી રાજીનામુ માંગી લેવાના નિર્ણય અને છેક 8-10 દિવસ સુધી તે સમાચાર દબાવી રખાયા બાદ ગઈકાલે તે જાહેર થતા જ ફરી એક વખત ભાજપના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-રાજકોટના રાજકારણમાં આશ્ચર્ય બોમ્બ ફુટયો છે અને શા માટે રાજીનામું માંગી લેવાયું તે પ્રશ્નનો જવાબ હજું મળ્યો નથી અને ખુદ ડો. કથીરીયા પણ પોતે આ કારણથી અજાણ હોવાનું જણાવીને સસ્પેન્સ વધારી દીધું છે.

હજું હાલમાં જ ભાજપે છ માસના સમયગાળામાં તેના બે પ્રદેશ મહામંત્રીના રાજીનામા માંગી લીધા હતા અને બન્નેએ તેમાં ‘અંગત’ કારણોસર પદ છોડી રહ્યા હોવાનું જાહેર કરી ચર્ચાને વેગ આપ્યો હતો તેમાં પણ પક્ષના આંતરિક વિખવાદ અને છાને ખુણે થતા ભ્રષ્ટાચારના આક્ષેપો જ જવાબદાર હોવાનું માનવામાં આવે છે અને ‘ધૂળ પર લીપણ’ કરી દેવામાં આવ્યું છે તે સમયે જ હજું પુરી રીતે શરૂ પણ થઈ નથી તે રાજકોટ ‘એઈમ્સ’માં પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ થયો છે.

રાજીનામુ ‘માંગી’ લેવાયું
ભાજપમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાજીનામા-માંગી લેવાનો અને કારણ નહી પૂછવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે તેમાં એક તબકકે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફકત 14-16 કલાકમાં જ રાજીનામું આપી દેવુ પડયું હતું અને માનવામાં આવે છે કે તેમનો રાજીનામા પત્ર પણ દિલ્હીથી ‘ડ્રાફટ’ થઈને આપ્યો હતો જેમાં ફકત સી.એમ.નું લેટરહેડ તથા સહી જ ગાંધીનગરમાંથી મેળવાઈ હતી અને એક મુલાકાતમાં ખુદ વિજયભાઈએ સ્વીકાર્યુ કે મને રાજીનામું આપી દેવા જણાવાયું અને એ આપી દીધું. પક્ષના ‘શિસ્તબદ્ધ’ સૈનિક તરીકે અને એ કારણ પૂછયું પણ નથી અને મને કારણ જણાવાયું પણ ન હતું.

આમ મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિને પણ જો આ ફોર્મ્યુલા લાગું પડતી હોય તો પછી ડો. કથીરીયા જે એઈમ્સના 48 કલાક માટે પ્રેસીડેન્ટ રહ્યા તેમને તો સ્વાભાવીક રીતે લાગુ પડે જ પણ સી.એમ. ઓફિસ અને એઈમ્સમાં અંતર છે અને તેમાં ડો. કથીરીયા જે નવી એઈમ્સ માટે યોગ્ય પ્રેસીડેન્ટ ગણાતા હતા તેઓને આ રીતે રાજીનામુ આપી દેવા જણાવ્યું તે દિલ્હીમાં કોઈ કારણ બન્યું કે લોકલ લેવલે તે પણ ચર્ચા છે.

હજું ડો. કથીરીયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો ન હતો તેની પાછળનું રહસ્ય પણ હવે બહાર આવી ગયુ છે. તેઓને ચાર્જ લેવાનો જ ન હતો. એઈમ્સ જેના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે તે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કેબીનેટ મંત્રી પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જ ડો. મનસુખભાઈ માંડવીયા છે અને તેઓની સંમતીથીજ અને તેનાથી પણ આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ જાણથી આ નિયુક્તિ થઈ હશે તે ચોકકસ માની શકાય. રાજકોટ એઈમ્સ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટ સૌરાષ્ટ્ર માટેનો ખાસ પ્રોજેકટ છે અને હજુ તેઓજ તેના ઉદઘાટનમાં આવનાર છે તે સમયે સર્જાયેલા આ વિવાદમાં સૌએ મૌન ધારણ કરી લેતા ભાજપમાં હવે પછી આ જે નવો ટ્રેન્ડ શરૂ થયો છે તેની ચર્ચા છે.

ટેકનીકલ કારણ- ડો.કથીરીયાની બોડી લેંગ્વેજ, બધું રસપ્રદ
રાજકોટ: ગઈકાલે એક સમારોહ જયાં ડો. વલ્લભભાઈ કથીરીયાને એઈમ્સના પ્રેસીડેન્ટ બદલ સન્માન થવાનું હતું તે સમયે જ ખુદ ડો.કથીરીયાએ તેઓના રાજીનામાને સમર્થન આપ્યુ તે સમયે તેની બોડી લેંગ્વેજ કંઈક વ્યથિત હોઈ તેવું જણાતું હતું. કેન્દ્રીય મંત્રી ચાર વખત સાંસદ તથા બોર્ડ-નિગમમાં પણ ચેરમેન બની ચૂકેલા ડો. કથીરીયાની નિયુક્તિ અને રાજીનામા પાછળ ટેકનીકલ કારણો જવાબદાર હોવાનું કહેવાયું પણ તેમાં કોઈ વજૂદ નહી હોવાનું સૂત્રો કહેતા ઉમેરે છે કે પ્રેસીડેન્ટનો હોદો ‘માનદ’ હોય છે. મુખ્ય સતા ડિરેકટર પાસે હોય છે અને ડો.કથીરીયા મેડીકલ ફિલ્ડમાંથી જ આવે છે. કેન્દ્રીય મંત્રી રહી ચૂકયા છે તેની ટેકનીકલ ભૂલ હોય તો તે સુધારી શકાતી હતી જે થયું નથી.

સોમવારે CM એઈમ્સ જશે: તે પુર્વ નવા પ્રેસીડેન્ટની નિયુક્તિ?
ભાજપના ઉચ્ચ કક્ષાના સંભવીત ફેરફારો સાથે આ પ્રકરણ જોડાય તેવું વજનદાર નથી: મંતવ્ય
રાજકોટ: રાજકોટ એઈમ્સના પ્રેસીડેન્ટ તરીકે ડો.વલ્લભભાઈ કથીરીયાની નિયુક્તિ અને રાજીનામા પાછળ અનેક ચર્ચાઓ છે. હજુ સોમવારે જ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાત સમયે ‘એઈમ્સ’ની મુલાકાતે જવાના છે તે પુર્વે જ સર્જાયેલા આ ‘રાજીનામા’ પ્રકરણથી હવે તેઓના કાર્યક્રમ પર સૌની નજર છે. જો કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ થાય તો ચર્ચામાં નવું ‘ઘી’ હોમાય અને બીજો પ્રશ્ન એ છે કે, શું હવે એઈમ્સના નવા પ્રેસીડેન્ટની નિયુક્તિ તાત્કાલીક થશે કે રાહ જોવાશે તેના પર પણ સૌની મીટ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે જ મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતના અંતે આ રાજીનામા સ્વીકારનો પત્ર ‘લીક’ કરાયો હતો. ગુજરાતમાં આગામી દિવસમાં રાજકીય-વહીવટી ફેરફાર પણ શકય છે અને તેના સંદર્ભમાં આ રાજીનામાને જોવામાં કોઈ ખાસ વજૂદ નથી.


Related Posts