મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાંથી બહાર:T20 વર્લ્ડ કપ પછી ઈજાના કારણે બાંગ્લાદેશ સામે નહીં રમે,

By: nationgujarat
12 Nov, 2022

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. તે હવે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં રમી શકશે નહીં. બાંગ્લાદેશમાં રવિવારે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ રમાવાની છે. ઈજાના કારણે શમી ફિટ નથી. ગયા મહિને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાંથી પરત ફર્યા બાદ પ્રેક્ટિસ સેશન દરમિયાન શમી ઈજાગ્રસ્ત થયો હતો.

વન-ડે બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી પણ રમવાની છે. શમી પણ ટેસ્ટ ટીમનો ભાગ હતો. આ ઈજા બાદ તે ટેસ્ટ રમી શકશે કે કેમ તે હાલ સ્પષ્ટ નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેને આખી સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

ટીમ માટે મુશ્કેલ સમય
મોહમ્મદ શમીની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે પહેલાથી જ શ્રેણીમાંથી બહાર છે. ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ નહોતો. આ સાથે જ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ ઈજાના કારણે વન-ડે શ્રેણીમાંથી બહાર છે.

ઉમરાન મલિકને વન-ડે સિરીઝમાં મળી તક
શમી બહાર હોવાને કારણે ઉમરાન મલિકને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ઉમરાને હાલ જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન વન-ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ત્રણ વન-ડેમાં ઉમરાને ત્રણ વિકેટ લીધી હતી.

સૈની અને મુકેશને ટેસ્ટમાં તક મળી શકે છે
જો મોહમ્મદ શમી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થાય છે તો મુકેશ કુમાર અને નવદીપ સૈનીને તક મળી શકે છે. નવદીપ સૈની અને મુકેશ કુમાર હજુ પણ બાંગ્લાદેશમાં છે. તેઓ બાંગ્લાદેશનો પ્રવાસ કરનાર ટીમ ઈન્ડિયા Aના સભ્ય છે. બંનેએ બાંગ્લાદેશ A ટીમ સામેની ચાર દિવસીય મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મુકેશે ત્રણ વિકેટ લીધી છે. જ્યારે નવદીપ સૈનીએ ચાર વિકેટ લીધી હતી. મુકેશ અનકેપ્ડ ખેલાડી છે અને સૈની ભારત માટે બે ટેસ્ટ રમી ચૂક્યો છે.

મોહમ્મદ શમીનું પ્રદર્શન
મોહમ્મદ શમીએ ભારત માટે 60 ટેસ્ટ મેચમાં 216 વિકેટ લીધી છે. જ્યારે 82 વન-ડેમાં 151 વિકેટ ઝડપી છે અને 23 T20 મેચોમાં 24 વિકેટ લીધી છે.

બાંગ્લાદેશમાં વન-ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (WK), ઈશાન કિશન (WK), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર અને કુલદીપ સેન.


Related Posts