ભારતીય ખિલાડીઓને ઇનામની જાહેરાત શરૂ, રાજકોટનો આ બિલ્ડર આપશે ખિલાડીઓને એક-એક પ્લોટ ગીફટમાં

By: nationgujarat
18 Nov, 2023

આવતીકાલની વર્લ્ડકપની ફાઈનલની મેચ માટે દેશવાસીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. હાલ ચાલી રહેલ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે લીગ મેચ અને સેમી ફાઇનલમાં સતત સારું પ્રદર્શન કરીને ટોચની ટીમોને હાંફાવી છે. ત્યારે આવતીકાલે રવિવારના રોજ અમદાવાદ ખાતે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સામે ફાઇનલમાં ટકરાવની છે. ત્યારે લાખો ક્રિકેટપ્રેમીઓ ભારતીય ટીમનો જુસ્સો વધારવા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. ફાઇનલમાં ભારતીય ટીમ વિજેતા બનશે જ તેવા આત્મવિશ્વાસ સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમના 15 પ્લેયર અને કોચ સહિત ૧૬ સભ્યોને પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે. રાજકોટ તાલુકા સરપંચ એસોસિએશનના પૂર્વે પ્રમુખ અને પુર્વે સરપંચ ગઢકા ગ્રામ પંચાયત અને રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવા બિઝનેસમેન અને જિલ્લા ભાજપ અગ્રણી કેયુર ઢોલરીયા દ્વારા 16 લોકોને પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે. તમામ 16 લોકોને રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ ઝોનના હબ ગણાતા લોઠડા ઈન્ડસ્ટ્રીયલ ઝોન વિસ્તારમાં ભાયાસર-કાથરોટા પાસે આધુનિક સુવિધા સાથેના શિવમ જેમિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 251 વારના પ્લોટ પુરસ્કાર રૂપે એનાયત કરાશે.

લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ  ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહી ભારતીય ટીમનો જુસ્સ બુલંદ કરવાના છે, ત્યારે ક્રિકેટ રસિકો આ યાદગાર ક્ષણને વધાવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રમત ગમત થકી વિશ્વ અને સમાજની ઓળખ થતી આવી છે. રમત થકી ભિન્ન ભિન્ન લોકો એક બીજા સાથે ખેલદિલીની ભાવનાથી જોડાતા આવ્યા છે. ત્યારે વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના દ્વારા શાનદાર દેખાવથી દેશવાસીઓ ભારતીય ક્રિકેટ ટીમને વિશ્વ વિજેતા તરીકે નિહાળવા આતુર છે. વિશ્વ કપના માધ્યમથી દેશવાસીઓમાં એકતા રાષ્ટ્ર પ્રેમ અને સંગઠન ભાવનાની જ્યોત પ્રબળ બની છે ત્યારે એક ગુજરાતી દ્વારા ભારતીય પ્લેયર્સને પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે

વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ મેચ જોવા માટે અનેક વીવીઆઈપી મહેમાનો આવી રહ્યા છે અને સાથે જ દુનિયાભરમાંથી દર્શકો પણ આવશે. જેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તેની તૈયારી કરવામાં આવી રહી છે. સ્ટેડિયમની અંદર જ ખાસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. 4 હજાર જેટલા પોલીસ અને સુરક્ષા જવાનો ખડેપગે રહેશે. મેચ પુરી થશે અને વિજય સરઘસ નિકળશે એ સમયે 5 હજારથી વધુ પોલીસના જવાનો રસ્તા પર તહેનાત રહેશે એવી તૈયારી છે.  આ સાથે ટ્રાફિકના નિયમન માટે પણ વ્યવસ્થા કવામાં આવી રહી છે. ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઈમ બ્રાંચ, ATS, NDRF, SDRF, SRP સહિતની એજન્સીઓ સંકલનમાં રહીને કામ કરી રહી છે. ડ્રોનથી વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે જ એન્ટી ડ્રોન પર કાર્યરત કરવામાં આવશે.


Related Posts

Load more