પોલીસ સ્ટેશનમાં પોલીસની આબરુ જાય તેવું કામ આ પોલીસ કર્મીઓએ કર્યું

By: nationgujarat
18 Nov, 2023

પોતાના જ ઘરમાં ચોરી, પોતાની જ ઓફિસમાં ચોરી.. આવું સાંભળવુ પણ અજુગતુ લાગે. પરંતું મહીસાગરની પોલીસે સરકારી ખજાના પર જ લૂંટ ચલાવી છે. મહીસાગર પોલીસ સ્ટેશનમાં ગજબની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અહી પોલીસ રક્ષક નહિ ભક્ષક બની છે. મહીસાગરના ખાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સહિત 2 કોન્સ્ટેબલ, GRD અને હોમગાર્ડ સહિતના ભેગા મળીને પોલીસ સ્ટેશનમાં લૂંટ ચલાવી હતી. તેઓએ પોલીસ સ્ટેશનમાંથી દારૂ અને પંખાની ચોરી કરી હતી.

માનવામાં ન આવે તેવી આ ઘટના છે. આપણે આપણી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જતા હોઈએ છીએ, પરંતુ અહી તો ખુદ પોલીસ જ ચોર બની છે. મહીસાગર જિલ્લામાં હવે પોલીસ સ્ટેશન પણ સલામત નથી રહ્યાં. પોલીસ કર્મચારીઓએ મળીને દારૂ સહિત પંખાની ચોરી કરી છે. મહીસાગરના બાકોર પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલનો દારુ અને પંખાની ચોરી કરવાની ફરિયાદ ઉઠી છે.ખાનપુર બાકોર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દારુ સહિત પંખાની ચોરી કરવામાં આવી છે. ખાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ સહિત કોન્સ્ટેબલ તેમજ જી.આર.ડી અને હોમગાર્ડ દ્વારા પોલીસ સ્ટેશનમાં ચોરી કરાઈ હતી. બાકોર પોલીસ સ્ટેશનમાંથી રૂપિયા 1.57 લાખનો મુદ્દામાલ દારુ તેમજ 15 પંખાની ચોરી થઈ છે.

પોલીસ સ્ટેશનની વસ્તુઓ ચોરી કરનાર 2 પોલીસ જવાન તેમજ હોમગાર્ડ  જી.આર.ડી જવાનો સામે ગુનો નોંધી તેમને જેલ હવાલે કરાયા છે. જો પોલીસ સ્ટેશનોમાં જ ચોરી થતી હોય અને પોલીસ કર્મચારીઓ જ ચોર સાબિત થતા હોય તો પછી બીજી ઓફિસોની વાત શું કરવી જેવાં અનેક સવાલો આ ઘટનાથી ઉભા થયા છે.


Related Posts

Load more