Nepal Flash Flood : કહેવાય છે કે જ્યારે કુદરત રુઠે તો મોટી આફત લાવે છે તેનું ઉદાહરણ નેપાળમાં દેખાયું. નેપાળમાં અચાનક આવેલી ભયાનક પૂરની હોનારતે હાહાકાર મચાવી દીધો. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 587 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આશરે 2,500થી વધુ લોકો હજુ ગુમ હોવાના અહેવાલ છે. પૂરના તીવ્ર પ્રવાહ અને કાદવ-કીચડ અને કાટમાળના કારણે કૌશિકી અને ભોટેકોશી નદી કિનારાની અસંખ્ય વસાહતો, રસ્તાઓ, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જમીનદોસ્ત થઈ ગયા છે.
320થી વધુ ભારતીય નાગરિકો સંપર્કવિહોણા
આ દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં ભારતીય નાગરિકો પણ ફસાયેલા છે. ભારતના વિદેશ મંત્રાલયની અપડેટ મુજબ, 320 ભારતીયો અને ભારતીય મૂળના 100 લોકો સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેમાં 100 જેટલા ભારતીયો ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર અટવાયેલા હોવાની આશંકા છે. જોકે, રાહતની વાત એ છે કે તિબેટમાં આશરે 400 ભારતીયો સુરક્ષિત છે અને તેમની સાથે સંપર્ક થઈ ચૂક્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ, આ ભયાનક આફતની શરૂઆત ઊંચા પર્વતીય વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાથી થઈ હતી. ગ્લેશિયરનો મોટો હિસ્સો બરફ અને પથ્થરો સાથે લેંડે નદીમાં ખાબક્યો હતો. આ કુદરતી અવરોધ અચાનક તૂટતાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં વિનાશક પૂરની લહેર આવી હતી.