નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ઠપ્પ, વિદ્યાર્થીઓને અંધારામાં પેપર લખવા પડ્યા

By: nationgujarat
13 Mar, 2025

નવસારી : ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ચાર યુનિટ ટ્રીપ થવાના કારણે 500 મેગા વોટ વીજ ઉત્પાદન ઠપ્પ થયું છે. જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના 45 તાલુકાઓ અને 3461 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો. જેથી 32,00,000 થી વધુ ગ્રાહકોને ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતના જેટકો અંતર્ગત આવતા 220 KV ના 13 સબ સ્ટેશનમાંથી 10 સબ સ્ટેશન પર ઝીરો પાવરની સમસ્યા સર્જાઈ હતી.

નવસારીમાં વીજ પુરવઠો ઠપ્પ : નવસારી જિલ્લાના ફક્ત અંબેટા સબ સ્ટેશનમાં ઝીરો પાવર થતા ગણદેવી, અમલસાડ, ટાંકલ સહિતના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી. હાલ બોર્ડની પરીક્ષા પણ ચાલુ છે ત્યારે બીલીમોરાની ટાટા સ્કૂલમાં પાવર જવાને કારણે વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં અંધારામાં પેપર લખવું પડ્યું હતું. હાલ તો નવસારીમાં એક કલાકના પાવર કાફ બાદ પાવર આવતા લોકોમાં રાહત જોવા મળી છે.

સરકારી કચેરીના કામકાજ પર અસર : દક્ષિણ ગુજરાતના તાપી, ભરૂચ, રાજપીપળા અને સુરત જેવા શહેર ઉપરાંત વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ જેવા ગામોમાં પણ વીજ પુરવઠો બંધ રહ્યો છે. લાઈટના અભાવે શાળાના વિદ્યાર્થીઓ અને સરકારી કચેરીઓના કામકાજ પર પણ અસર પડી છે. જોકે, નવસારીમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાત થોડી રાહત રહી હતી.

3461 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો : ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ચાર યુનિટ ટ્રિપ થવાના કારણે 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઠપ્પ થયું છે. જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ, 45 તાલુકાઓ, 23 શહેરો અને 3461 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. આ પરિસ્થિતિમાં 32 લાખથી વધુ ગ્રાહકોને તીવ્ર ગરમીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

1 કલાક બાદ વીજળી પુરવઠો પૂર્વવત : બપોરે અઢી વાગ્યા બાદ ટ્રાન્સમિશન નેટવર્કમાં ખામી સર્જવાના કારણે દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. હાલ નવસારી, તાપી અને વલસાડ જિલ્લો નોર્મલ સ્થિતિમાં છે. સુરત જિલ્લાના અમુક ગામોમાં વીજ સપ્લાય ચાલુ કરવાની કામગીરી હાલ ચાલુ છે, જે સાંજ સુધીમાં નોર્મલ કન્ડિશનમાં થઈ જશે. હાલ નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ વીજ સમસ્યાને લઈને કોઈ તકલીફ નથી. GETCO દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે એક કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે, જે સંદર્ભે વીજ ગ્રાહકો પૂરતો સહકાર આપે.


Related Posts

Load more