જૂનાગઢના કેશોદમાં એક્ટિવાસવાર મહિલા પર ક્રેન ફરી વળતા મોત

By: nationgujarat
14 Jul, 2023

જૂનાગઢના કેશોદમાં ગુરુવારે એક્ટિવાસવાર મહિલા પર ક્રેન ફરી વળતાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનારા ક્રેનના ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોસ્ટ ઓફિસ નજીકની ઘટના
કેશોદના સોંદરડા ગામમાં રહેતાં રત્નકલાકાર મહિલા પ્રવીણાબેન અશ્વિનભાઈ વાજા ગુરુવારે કેશોદથી પોતાના ગામ સોંદરડા એક્ટિવા પર જઈ રહ્યાં હતાં. કેશોદ પોસ્ટ ઓફિસ નજીક ક્રેનના ચાલકે અડફેટે લેતાં પ્રવીણાબહેન પડી ગયાં હતાં અને ક્રેનના તોતિંગ વ્હીલ તેમના પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
કેશોદમાં બનેલી જીવલેણ અકસ્માતની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે રસ્તાની એક બાજુ રખડતા ઢોરનો અડિંગો છે અને બીજી તરફ અડધા રસ્તા સુધી વાહનો પાર્ક થયેલાં જોવા મળી રહ્યાં છે. એની વચ્ચેથી પસાર થઈ રહેલા એક ક્રેનના ચાલકે બાજુમાં જઈ રહેલાં એક્ટિવાસવાર મહિલાને ટક્કર મારતાં પડી ગયાં હતાં અને તરત જ મહિલા પર ક્રેનના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતાં. મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અકસ્માત સર્જનાર ક્રેનના ચાલક સામે હરેશભાઈ મોહનભાઈ વાજા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Related Posts