અમેરિકામાં શટડાઉનની અસર દેખાવા લાગી, 40 એરપોર્ટ પર 1000થી વધુ ફ્લાઈટ કેન્સલ

By: nationgujarat
08 Nov, 2025

America Shutdown Hits Air Travel: અમેરિકામાં ચાલી રહેલા લાંબા શટડાઉનની અસર હવે દેશની હવાઈ સેવાઓ પર જોવા મળી રહી છે. સરકારી ભંડોળના અભાવે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા લેવાયેલા પગલાંને કારણે દેશભરમાં એક હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ફ્લાઇટ કામગીરીમાં મોટો ઘટાડો

એવિએશન એનાલિટિક્સ કંપની સિરિયમના ડેટા અનુસાર, સાતમીથી નવમી નવેમ્બર દરમિયાન 1,700થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. FAAના આદેશ મુજબ, પગાર ચૂકવવાને કારણે થતી નાણાકીય મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અમેરિકાના 40 મુખ્ય એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ કામગીરીમાં શરૂઆતમાં 4 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે મુખ્ય એરપોર્ટની સેવાઓ ખોરવાઈ છે તેમાં એટલાન્ટા, ડેનવર, નેવાર્ક, શિકાગો, હ્યુસ્ટન અને લોસ એન્જલસ જેવા મોટા શહેરોના એરપોર્ટનો સમાવેશ થાય છે.

પગાર કાપ અને ભંડોળનો પ્રશ્ન

FAA અનુસાર, શટડાઉનને કારણે કર્મચારીઓને પગાર ચૂકવવામાં થતી નાણાકીય મુશ્કેલીને કારણે આ ઘટાડો લાગુ કરવો પડ્યો છે. FAAએ સ્પષ્ટતા કરી છે કે જો કોંગ્રેસ ભંડોળની ડીલ પર સંમત થવામાં નિષ્ફળ જશે, તો આવતા સપ્તાહમાં આ પગાર કાપ વધારીને 10 ટકા સુધી કરવામાં આવી શકે છે. જો પરિસ્થિતિ યથાવત્ રહેશે તો, એરલાઇન્સને મંગળવારે (11મી નવેમ્બર) આ એરપોર્ટ પર તેમની 6 ટકા, ગુરુવારે (13મી નવેમ્બર) 8 ટકા અને આવતા શુક્રવારે (14મી નવેમ્બર) 10 ટકા ફ્લાઇટ્સ રદ કરવી પડી શકે છે.

 

અમેરિકાનો સૌથી લાંબો શટડાઉન

હાલમાં અમેરિકામાં શટડાઉનનો 38મો દિવસ ચાલી રહ્યો છે, અને તે ધીમે ધીમે વિવિધ ક્ષેત્રોને અસર કરી રહ્યો છે. આ શટડાઉન અત્યાર સુધીનો સૌથી લાંબો શટડાઉન છે. અગાઉ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન 35 દિવસનો સૌથી લાંબો શટડાઉન નોંધાયો હતો.FAAએ અગાઉ જણાવ્યું હતું કે, શટડાઉનને કારણે સ્ટાફની તીવ્ર અછત સર્જાઈ છે. હજારો એર ટ્રાફિક કંટ્રોલર્સ અને ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) નિરીક્ષકો પગાર વિના કામ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સલામતીના ધોરણો જાળવવા માટે ફ્લાઇટ ઘટાડવાનું પગલું જરૂરી હતું.


Related Posts

Load more