અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માત

By: Nation Gujarat Team
13 Nov, 2026

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક વહેલી સવારે લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સુરતથી અંબાજી તરફ જઈ રહેલી લક્ઝરી બસ પાછળ હેવી મશીનરી ભરેલી ટ્રક અથડાતા બસ આગળ જતા ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. ઘટનાની વિગતો મુજબ સુરતથી યાત્રાળુઓને લઈને એક ખાનગી લક્ઝરી બસ અંબાજી જવા માટે નીકળી હતી. આ બસ વડોદરાથી અમદાવાદ તરફના રૂટ પર એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે આણંદ નજીક પાછળથી આવી રહેલી હેવી મશીનરી ભરેલી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક લક્ઝરી બસના પાછળના ભાગે અથડાતા બસ આગળ ચાલી રહેલા ટેન્કરની પાછળ ઘૂસી ગઈ હતી.

વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને બસના આગળ તથા પાછળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં બસના 10 મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચી હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. જાણ થતા જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ, આણંદ ફાયર બ્રિગેડનો કાફલો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ટ્રિપલ અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઈવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ત્રણેય વાહનોને રોડ પરથી ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલ સ્થાનિક પોલીસે આ બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score