અમદાવાદના વસ્ત્રાલમાં તોફાની ટોળકીએ પથ્થરમારો કરી આંતક મચાવ્યો

By: nationgujarat
27 Jul, 2023

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વેપારી પોતાના ઘર પાસે મિત્ર સાથે બેઠા હતા. આ સમયે 8 બાઈક પર આવેલા 15 શખસે તેમના નામથી બૂમો પાડીને તેમની પાછળ પડ્યા હતા. વેપારી ભાગીને સોસાયટીની અંદર આવી ગયા હતા. પરંતુ 15 શખસ વેપારી પાછળ સોસાયટીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. તેમજ સોસાયટીમાં તોડફોડ કરી ગાળો બોલી અને ધમકીઓ આપી હતી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. બાઈકર્સના આતંકથી ભયાવહ સ્થિતિ સર્જાઇ હતી. જેને જોતા સોસાયટીમાં રહેતા લોકોમાં ભય ફેલાયો હતો અને દહેશત વચ્ચે રાત વિતાવી હતી.

રામોલ પોલીસે 15 બાઈકર સામે ગુનો નોંધ્યો
બાઈકર્સ સોસાયટીમાં તોડફોડ કરી રહ્યા હતા ત્યારે ભયજનક માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર બનાવવામાં રામોલ પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાતે બનેલી ઘટનામાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્ન ઊભા થયા છે.સીસીટીવીમાં જોવા મળે છે કે, પહેલાં એક ટુ-વ્હીલર સાથે એક વ્યક્તિ સોસાયટીમાં એન્ટર થાય છે. બાદમાં વેપારી દોડતાં દોડતાં સોસાયટીમાં આવે છે. વેપારી પાછળ બાઈકર્સ સોસાયટીમાં ઘૂસે છે. બાદમાં સોસાયટી બહારથી પથ્થરો હાથમાં લઈ સોસાયટીનાં ઘરો તરફ ઘા કરે છે. તેમજ સોસાયટી ઓફિસના કાચ પણ ફોડી નાખે છે. આ સિવાય ફૂલછોડનાં કુંડાં, ખુરશી, ટેબલ સહિતની વસ્તુઓની તોડફોડ કરતા નજરે પડે છે.વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કુણાલભાઈ પીઠડિયાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ અબજી બાપા લેક્યુ ફ્લેટમાં રહે છે. 26 જુલાઈએ રાતે 12:00 વાગ્યાના અરસામાં તેઓ તેમની સોસાયટીના મિત્ર સાથે પાળી પર બેઠા હતા ત્યારે 8 જેટલી બાઇક પર 15 જેટલા શખસ ત્યાં આવ્યા હતા અને તેમના નામથી બૂમો પાડતાં પાડતાં ધમકી આપતા સોસાયટીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.મોટી સંખ્યામાં લોકો મારવા આવ્યા હોય તેવી દહેશત ઊભી થતા કુણાલભાઈ ત્યાંથી ભાગીને સોસાયટીની અંદર તરફ દોડ્યા હતા, પરંતુ બાઈકર્સના ટોળાએ અંદર આવી અલગ અલગ જગ્યાએ તોડફોડ શરૂ કરી હતી. આ સમગ્ર બનાવમાં આસપાસના સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે. આ અંગે તેમણે રામોલ પોલીસને જાણ કરતા રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. પરંતુ કયા કારણોસર હુમલો થયો તે હજી સુધી જાણી શકાયું નથી.


Related Posts

Load more