અંબાજીમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું, 6 દિવસમાં 39.36 લાખ ભક્તો મા અંબાનાં દર્શન કરી ધન્ય બન્યાં

By: nationgujarat
29 Sep, 2023

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળાનો આજે ​​​​​​છેલ્લો દિવસ છે અને મેળો તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ભાદરવી પૂનમ હોવાના કારણે મહામેળાની મહામંગળા આરતી આજે વહેલી સવારે 6:00 વાગ્યા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં માઇભક્તો વહેલી સવારથી જ મહા આરતીનો લાભ લેવા માટે લાઈનોમાં લાગ્યા હતા. મહા આરતીમાં જોડાવા માટે માઇભક્તો કલાકો રેલીંગોમાં ઉભા હતા. સવારે 6:00 કલાકે માતાજીની મંગળા આરતીનો અવસર લેવા માટે મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોએ દોડીને માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે આજે અમે તમને ઘરે બેઠાં કરાવીશું અંબાજી ભાદરવી પૂનમની મંગળા આરાતીના દર્શન…

ભાદરવી પૂનમની મંગળા આરતીમાં ભારી ભીડ
આજે મોટી સંખ્યામાં માઇભક્તોની ભીડ વહેલી સવારે 6 કલાકે મંગળા આરતીમાં જોવા મળી હતી. આજે ભાદરવી પૂનમ હોવાના કારણે અંબાજી મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તિમય માહોલ વચ્ચે મંગળા આરતીની શરૂઆત થઈ હતી. મંગળા આરતીમાં ભક્તો ભક્તિમય માહોલમાં છવાઈ ગયા હતા. માતાજીની આરાધના અને દિવ્ય દર્શન સાથે મંગળા આરતીમાં ભક્તોએ ‘જય જય અંબે’ના જયઘોષ લગાવ્યા હતા. વહેલી સવારે મંગલા આરતીના ભક્તિમય માહોલથી ભક્તો ધન્ય થયા હતા. મા અંબાની એક ઝલક અને દિવ્ય દર્શન સાથે મંગળા આરતીનો લાભ લેવા માટે માઇભક્તો આતુરતાપૂર્વક મંદિરે પહોંચ્યા હતા.

6 દિવસમાં 39.36 લાખ ભક્તો અંબાજી પહોંચ્યા
માર્ગો પર યાત્રિક પ્રવાહ શાંત થઈ જતાં સેવા કેમ્પો પણ આટોપાઈ ગયા છે. મેળાના છઠ્ઠા દિવસે ગુરુવારે 8.89 લાખ સહિત 6 દિવસમાં 39.36 લાખ ભકતોએ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાજ્યના ખૂણે ખૂણેથી અને દૂર-દૂરથી પગપાળા સંઘો અંબાજી પહોંચ્યા છે.

અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે. મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજદિન સુધીમાં લાખો માઇભક્તો મા અંબેના દર્શન કરીને ધન્ય બન્યા છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલીંગ વ્યવસ્થા, લાઈનમાં પીવાના પાણી અને લીંબુ સરબતની વ્યવસ્થા તથા દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલચેરવાળા અને સિનિયર સીટીઝનો માટે બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લેવાની વ્યવસ્થા છે. દાંતા-અંબાજીના રસ્તાઓ ઉપર અને અંબાજી ગામમાં ત્રણ વાર કરવામાં આવતી સફાઈની કામગીરીથી મેળામાં ચોમેર સ્વચ્છતા જાળવી શકાઈ છે. જેની યાત્રિકો સરાહના કરી રહ્યાં છે.


Related Posts