Goa : ગોવા (Goa) ફરવા ગયેલા ઉત્તર પ્રદેશના બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે. બંને યુવકો પર સ્થાનિક યુવતી સાથે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં હજુ વધુ ધરપકડ થઈ શકે છે. બીજી તરફ આ ઘટના પર રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષે સરકાર પર કાયદો અને વ્યવસ્થા બગડવાનો આરોપ લગાવ્યો છે.
પોલીસે માહિતી આપી છે કે કલંગુટ ગામમાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે બંનેએ એક સ્થાનિક યુવતીને પૂછ્યું કે તેનો રેટ શું છે અને શું તે ‘ઉપલબ્ધ’ છે. યુવકોની ઓળખ 30 વર્ષીય પ્રેમ પાંડે અને કૃષ્ણા સિંહ તરીકે થઈ છે. પ્રેમ ઉત્તર પ્રદેશના લાલગંજ જિલ્લાનો રહેવાસી છે અને સિંહ આગ્રાનો રહેવાસી છે. તેમની સામે BNSની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
ઉત્તર ગોવા પોલીસે કહ્યું કે ‘અમને ફરિયાદ મળી હતી અને ફરિયાદના આધારે અમે એફઆઈઆર નોંધી છે. આ ઘટના શનિવારે રાત્રે બની હતી અને આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે અને વધુ ધરપકડની પણ શક્યતાઓ છે. ખાસ વાત એ છે કે આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. એવું જોવા મળે છે કે બે યુવકો એક યુવતી પાસે જાય છે અને તેને હોટેલમાં સાથે આવવા કહે છે.
વિપક્ષના નેતા યુરી અલેમાઓએ કહ્યું, ‘જ્યારે સ્થાનિક મહિલાઓ સુરક્ષિત નથી, ત્યારે ભાજપ સરકાર ગોવામાં આવતા પ્રવાસીઓને શું સુરક્ષા આપશે? બે વર્ષ પહેલાં, કાલંગુટ અને બાગાના લગભગ 500 લોકોએ વેશ્યાવૃત્તિ અને ગુંડાગીરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે સ્થાનિક મહિલાઓએ સાંજે બહાર જવામાં ડર હોવાની વાત કરી હતી. હવે આ વાસ્તવિકતા બની ગઈ છે. તેમણે કહ્યું, ‘આપણી દીકરીઓ અને બહેનો આપણા જ ગોવામાં સુરક્ષિત નથી. ગોવા તેની સુંદરતા, વારસો અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે. ભાજપ ગોવાને વેશ્યાવૃત્તિ, ગુંડાગીરી અને ગુનાખોરીમાં ફેરવી રહી છે.