તમારી EMI હજુ ઘટશે, લોન સસ્તી થશે! રેપો રેટ 5.5% સુધી આવે તેવી આશા, રિપોર્ટે દિલ ખુશ કર્યું

By: nationgujarat
18 Apr, 2025

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ સતત બીજી વખત રેપો રેટમાં ઘટાડો કરીને વ્યાજદરોને સસ્તા કર્યા છે. ફેબ્રુઆરી અને એપ્રિલમાં થયેલા ઘટાડા બાદ રેપો રેટ 6.50%થી ઘટીને 6.00% થયો છે. રેપો રેટ ઘટવાનો અર્થ છે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિત તમામ લોન સસ્તી થશે અને EMI ઘટશે. આગામી દિવસોમાં આ ખુશી વધુ વધી શકે છે, કારણ કે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રેપો રેટ હજુ ઘટીને 5.5% સુધી પહોંચી શકે છે.

રિપોર્ટ શું કહે છે.

HSBC ગ્લોબલ રિસર્ચના તાજેતરના રિપોર્ટમાં જણાવાયું છે કે RBI આગામી જૂન અને ઓગસ્ટની નીતિ બેઠકોમાં રેપો રેટમાં 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. HSBCનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રેપો રેટ ઘટીને 5.5% સુધી પહોંચી જશે. આનાથી લોનના વ્યાજદરો વધુ ઘટશે અને ગ્રાહકોને સસ્તી લોનનો લાભ મળશે.

ફુગાવો ઘટશે, લિક્વિડિટી સરળ રહેશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ફુગાવો નીચા સ્તરે રહેવાની શક્યતા છે. માર્ચમાં CPI ફુગાવો 3.3% રહ્યો, જે બજારની 3.5%ની અપેક્ષા કરતાં ઓછો છે. ખાદ્યપદાર્થોના ભાવ સતત ત્રીજા મહિને ઘટાડામાં રહ્યા, જે ગત મહિનાની સરખામણીએ 0.7% ઓછા હતા. શાકભાજી, ડાળ, ઈંડા અને માંસ-માછલીના ભાવ ઘટવાથી આ શક્ય બન્યું. અનાજ અને દૂધના ભાવ સામાન્ય રહ્યા, જ્યારે ખાંડ અને ફળોના ભાવ ઊંચા રહ્યા.

એપ્રિલમાં પણ ફુગાવો માર્ચના સ્તરની આસપાસ રહેવાની ધારણા છે. ડુંગળી અને ટામેટાના ભાવમાં ભારે ઘટાડાને કારણે એપ્રિલના પ્રથમ 10 દિવસમાં શાકભાજીના ભાવમાં 0-5%નો ઘટાડો થયો છે. HSBCએ નાણાકીય વર્ષ 2026 માટે CPI ફુગાવો સરેરાશ 3.7% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, જે RBIના 4%ના લક્ષ્યાંકથી ઓછો છે. નવી ઘઉંની ફસલ બજારમાં આવવાથી એપ્રિલથી ખાદ્ય ફુગાવો ઘટવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 2025 માટે ‘સામાન્ય’ ચોમાસાની આગાહી કરી છે, જે ફુગાવા પર નિયંત્રણ રાખવામાં મદદ કરશે.

રૂપિયાની મજબૂતી, ચીનથી આયાતી માલના ભાવમાં ઘટાડો, નરમ તેલના ભાવ અને નબળી સ્થાનિક આર્થિક વૃદ્ધિને કારણે કોર ફુગાવો પણ નીચો રહેવાની શક્યતા છે. જથ્થાબંધ સ્તરે માર્ચના ભાવ સામાન્ય રહ્યા, જ્યારે કોર શ્રેણીઓ માટે જથ્થાબંધ ફુગાવો CPI ફુગાવાની સરખામણીએ ઝડપથી ઘટ્યો છે.


Related Posts

Load more