ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકાના બ્લૂમફોન્ટેનમાં બાંગ્લાદેશ સામે રમશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે આ સ્પર્ધાનું શેડ્યૂલ જાહેર કર્યું. અગાઉ આ ટુર્નામેન્ટ શ્રીલંકામાં યોજાવાની હતી પરંતુ સરકારની દખલગીરીને કારણે ICCએ તેના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું હતું અને ત્યારબાદ અંડર-19 વર્લ્ડ કપની યજમાની દક્ષિણ આફ્રિકાને સોંપી હતી.
આ કારણોસર સ્પર્ધાનો નવો કાર્યક્રમ બહાર પાડવો પડ્યો. ભારતીય ટીમને ગ્રુપ Aમાં બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને અમેરિકાની સાથે રાખવામાં આવી છે. બાંગ્લાદેશ બાદ ભારતીય ટીમ 25 જાન્યુઆરીએ બ્લૂમફોન્ટેનમાં આયર્લેન્ડ સામે ટકરાશે. તે તેની છેલ્લી લીગ મેચ 28 જાન્યુઆરીએ આ જ સ્થળે અમેરિકા સામે રમશે. ટુર્નામેન્ટની શરૂઆત 19 જાન્યુઆરીએ બે મેચોથી થશે જેમાં આયર્લેન્ડનો મુકાબલો અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે.
આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેશે જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં સામેલ ટીમો નીચે મુજબ છે. ગ્રુપ A: ભારત, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, અમેરિકા. ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ. ગ્રુપ C: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, નામિબિયા, ઝિમ્બાબ્વે. ગ્રુપ ડી: અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, નેપાળ.
ICCએ ગયા મહિને મેન્સ અંડર-19 વર્લ્ડ કપને શ્રીલંકાથી દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ કરવાની જાણકારી આપી હતી. સરકારની દખલગીરીને કારણે ICC એ શ્રીલંકા ક્રિકેટ (SLC) ને અસ્થાયી રૂપે સ્થગિત કર્યાના 11 દિવસ પછી આ આવ્યું છે. શ્રીલંકાની ટીમ ODI વર્લ્ડ કપના લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગયા બાદ, SLC એ પોતે ICCનો સંપર્ક કર્યો હતો અને દેશમાં ક્રિકેટના આચરણમાં સરકારની દખલગીરી વિશે માહિતી આપી હતી.