WORLD CUP 2023- (7 ઓક્ટોબર) બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામસામે.

By: nationgujarat
07 Oct, 2023

ભારતમાં આજે (7 ઓક્ટોબર) રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા આમને-સામને છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેદાન હંમેશા બેટ્સમેનો માટે મુશ્કેલ રહ્યું છે. અહીં રન બનાવવાનું ક્યારેય આસાન નહોતું. આ જ કારણ છે કે આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી 26 ODI મેચોમાં ટીમો માત્ર બે વખત જ 300 રનનો આંકડો સ્પર્શી શકી છે.

પાકિસ્તાને અહીં પ્રથમ વખત 300 રનનો આંકડો સ્પર્શ કર્યો હતો. એપ્રિલ 2005માં ભારત સામે પાકિસ્તાને ભારત સામે 8 વિકેટ ગુમાવીને 303 રન બનાવ્યા હતા. આ પછી ફેબ્રુઆરી 2011માં વેસ્ટ ઈન્ડિઝે નેધરલેન્ડ સામે 8 વિકેટ ગુમાવીને 330 રન બનાવ્યા હતા. અહીં રમાયેલી 26 મેચોમાં 6 વખત એવું બન્યું છે જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમ 200 રન પણ બનાવી શકી ન હતી.

આ મેદાન પર ઓછામાં ઓછા 250 બોલ રમનારા ખેલાડીઓમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ માત્ર 96.38 છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને આ સ્ટ્રાઈક રેટથી 7 ઈનિંગ્સમાં 267 રન બનાવ્યા છે. આ મેદાન પર વનડેમાં અત્યાર સુધી માત્ર 8 સદી ફટકારવામાં આવી છે. આ મેદાન પર આજ સુધી કોઈ બેટ્સમેન બે સદી ફટકારી શક્યો નથી. અહીં સિક્સર મારવી પણ મુશ્કેલ બની ગઈ છે. આ મેદાન પર અત્યાર સુધી માત્ર 5 બેટ્સમેન 3 થી વધુ સિક્સર ફટકારી શક્યા છે. એકંદરે આ પીચ પર બેટિંગ કરવી બિલકુલ સરળ નથી.

દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના રેકોર્ડ
શ્રીલંકાએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. આ 5 મેચોમાંથી ત્રણમાં લંકન ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. તેણે એક મેચ જીતી છે અને એક મેચ રદ થઈ છે. અહીં દક્ષિણ આફ્રિકાના રેકોર્ડની બરાબરી થઈ ગઈ છે. પ્રોટીયાઓએ અહીં બે મેચ રમી છે અને એકમાં જીત અને બીજી હારી છે.


Related Posts

Load more