શું છે અમેરિકાના નવા ટેક્સ બિલની કલમ 899 ? જેનો અમલ થશે તો વૈશ્વિક શેરમાર્કેટ ધડામ થઈ શકે છે

By: nationgujarat
11 Jun, 2025

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેક્સ બિલમાં સમાવિષ્ટ કલમ 899 અંગે યુએસમાં વિદેશી રોકાણકારો અને ફંડ મેનેજરોમાં ખળભળાટ મચી ગયો છે. ફંડ હાઉસે ચેતવણી આપી છે કે જો આ કમલની જોગવાઈ ફેરફારો વિના કાયદો બની જાય, તો વિદેશી રોકાણકારો યુએસ સ્ટોક માર્કેટમાંથી ઝડપથી પૈસા ઉપાડી શકે છે.

કલમ 899 શું છે

આ જોગવાઈ એવા દેશોની કંપનીઓ પર વધારાનો ટેક્સ વસૂલ કરે છે, જ્યાં યુએસ કંપનીઓને ડિજિટલ ટેક્સ અથવા લઘુત્તમ વૈશ્વિક ટેક્સ જેવા ચાર્જનો સામનો કરવો પડે છે. આમાં, 5 ટકાથી 20 ટકા સુધીનો ટેક્સ લાદવામાં આવશે – જે પહેલાથી લાદવામાં આવેલા ટેક્સ કરતા વધુ હશે.

આ કલમ 899 યુરોપિયન યુનિયન, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાંથી આવતા રોકાણકારોને સીધી અસર કરશે.

રોકાણકારો ચિંતામાં

અમેરિકાના ઇન્વેસ્ટમેન્ટ કંપની ઇન્સ્ટિટ્યૂટ (ICI) એ કોંગ્રેસને પત્ર લખીને ચેતવણી આપી છે કે, કલમ 899 યુએસ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETF જેવા રોકાણ માધ્યમોને પણ અસર કરશે. આને કારણે, રોકાણકારો ટેક્સના ડરથી યુએસ શેરોમાંથી પૈસા ઉપાડી શકે છે, જેના કારણે અમેરિકા સહિત વૈશ્વિક શેર બજાર તુટી શકે છે.

ICI કહે છે કે આનાથી યુએસ કંપનીઓ અને રોકાણકારોને સીધું નુકસાન થશે, જ્યારે આ કાયદો વિદેશી કર નીતિના પ્રતિભાવ તરીકે લાવવામાં આવ્યો હતો. અમેરિકામાં વિદેશી રોકાણકારો – રોકાણકારોએ શેરબજારમાં 19 ટ્રિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કર્યું છે. તેઓ સરકારી બોન્ડમાં 7 ટ્રિલિયન અમેરિકન ડોલર અને કોર્પોરેટ ક્રેડિટમાં 5 ટ્રિલિયન અમેરિકન ડોલર ધરાવે છે.

યુરી ખોડજામિરિયન (ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, ટેમા ETFs) કહે છે કે જો તમારે ડિવિડન્ડ આવક પર વધુ કર ચૂકવવો પડે, તો તમે આવી અમેરિકન કંપનીઓમાં શા માટે રોકાણ કરશો ? જોકે, તેઓ માને છે કે યુએસ કંપનીઓની ડિવિડન્ડ યીલ્ડ ખૂબ ઓછી છે, અને કંપનીઓ બાયબેક દ્વારા મોટાભાગના પૈસા પરત કરે છે, તેથી અસર મર્યાદિત હોઈ શકે છે.

ICI કહે છે કે તે યુએસ વ્યાપારિક હિતોનું રક્ષણ કરવાના પ્રયાસોના સમર્થનમાં છે, પરંતુ કલમ 899 ના વર્તમાન ડ્રાફ્ટની વિપરીત અસર થઈ શકે છે. તે ઇચ્છે છે કે યુએસ મ્યુચ્યુઅલ ફંડ્સ અને આંતરરાષ્ટ્રીય રોકાણ ભંડોળને આ કાયદાથી દૂર રાખવામાં આવે.

જો કલમ 899 કોઈપણ ફેરફારો વિના કાયદો બને છે, તો યુએસ શેરોમાં રોકાણ કરવું વિદેશી રોકાણકારો માટે વધુ મોંઘું અને જટિલ બની શકે છે, જેના કારણે બજારમાં મોટા પ્રમાણમાં રોકાણકારોનું પલાયન થઈ શકે છે. આનાથી ફક્ત અમેરિકન કંપનીઓને જ અસર નહીં થાય, પરંતુ અમેરિકાની વૈશ્વિક રોકાણ આકર્ષણ ક્ષમતા પણ નબળી પડી શકે છે. હવે દરેકની નજર યુએસ સેનેટ અને ફાઇનાન્સ કમિટીના સ્ટેન્ડ પર મંડરાયેલી છે.


Related Posts

Load more