વૈભવ સૂર્યવંશી વિશેની એક નવી વાત સામે આવી, BCCI સ્ટાર ખેલાડીને એક દિવસ રમવાના આપે છે આટલા રૂપિયા

By: nationgujarat
18 Jul, 2025

ભારતનો જુનિયર સ્ટાર વૈભવ સૂર્યવંશી ઈંગ્લેન્ડમાં ચમકી રહ્યો છે, આ ખેલાડી બેટિંગની સાથે હવે બોલિંગમાં પણ તેની કમાલ કરી રહ્યો છે. ત્યારે સૌ કોઈને એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભારતના ઉભરતા સ્ટારને ક્રિકેટમાંથી કેટલી આવક થઈ રહી છે? IPLમાં ચમક્યા પછી 14 વર્ષનો ભારતીય સ્ટાર ઈંગ્લેન્ડમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનથી ઇંગ્લેન્ડમાં ધ્યાન ખેંચી રહ્યો છે. બેટથી પહેલેથી જ ધમાલ મચાવી ચૂક્યો છે, હવે તે બોલથી પણ પ્રભાવિત કરી રહ્યો છે, જેના કારણે તેની મેચ કમાણીમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય અંડર-19 ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભાગ લેનાર, વૈભવે તમામ ફોર્મેટમાં સતત પ્રદર્શન કર્યું છે, તેની પરિપક્વતા અને કૌશલ્ય માટે તેની ઉંમર કરતાં પણ વધુ પ્રશંસા મેળવી છે. સફળ ODI સીરિઝ અને ડ્રો ટેસ્ટ ઓપનર સાથે, આ યુવાન ખેલાડી ભવિષ્યના ક્રિકેટ સ્ટાર તરીકે તેની પ્રતિષ્ઠા મજબૂત કરી રહ્યો છે.

વૈભવે ઇંગ્લેન્ડમાં કેટલી કમાણી કરી છે? ખેલાડીઓ માટેના નિયમો અને સ્લેબ મુજબ, ભારતના અંડર-19 ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી મેચ ફી તરીકે દરરોજ 20,000 રૂપિયા મળે છે. આ ફક્ત ત્યારે જ લાગુ પડે છે જો તેઓ પ્લેઇંગ ઇલેવનનો ભાગ હોય. વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી ઇંગ્લેન્ડમાં રમાયેલી દરેક મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવ્યું છે. (Photo Credits: Vaibhav Suryavanshi)

સૂર્યવંશીએ તમામ 5 વનડે રમીને 1 લાખ રૂપિયા (પ્રતિ મેચ 20,000 રૂપિયા) કમાયો છે. તે પછી, તેણે ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે ચાર દિવસીય ટેસ્ટ મેચ રમીને 80,000 રૂપિયાની કમાણી કરી છે. આમ, અત્યાર સુધીના ઈંગ્લેન્ડ પ્રવાસથી વૈભવે ઇંગ્લેન્ડમાં 1.8 લાખ રૂપિયાની કમાણી થઈ છે. યુથ ટેસ્ટ સીરિઝની બીજી મેચ કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાવાની છે.

ટેસ્ટ સીરિઝની હજુ એક મેચ બાકી છે, અહીં પણ તેને પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવાનું કોઈ કારણ ન હોવાથી, વધુ 80,000 રૂપિયા મળવાની અપેક્ષા છે. આનાથી ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી તેની કુલ કમાણી 2.6 લાખ રૂપિયા થઈ જશે. વૈભવને રાજસ્થાન રોયલ્સે IPL 2025 માટે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPL ઇતિહાસનો સૌથી યુવા ક્રિકેટર છે, અને ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કુલ સંપત્તિ લગભગ 2 કરોડ રૂપિયા છે. વૈભવ સૂર્યવંશીનો ઇંગ્લેન્ડનો પહેલો પ્રવાસ ઘણી રીતે ખાસ બન્યો છે. ODI સીરિઝની પહેલી મેચમાં, ડાબા હાથના બેટ્સમેનએ 48 રન બનાવ્યા, ત્યારબાદ બીજી ODIમાં 45 અને ત્રીજીમાં 86 રન બનાવ્યા હતા. આ પછી ચોથી ODI આવી, જ્યાં વૈભવે પોતાની પ્રતિષ્ઠા પર ખરા ઉતરીને 143 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તે પાંચમી ODIમાં માત્ર 33 રન જ બનાવી શક્યો હતો.

પહેલી ટેસ્ટમાં વૈભવ સૂર્યવંશીએ પહેલી ઈનિંગ્સમાં 14 અને બીજી ઈનિંગ્સમાં 56 રન બનાવ્યા હતા, આ સાથે તેણે ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને 2 વિકેટ પણ લીધી હતી. કુલ મળીને, સૂર્યવંશીએ 5 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 100 રન અને 6 લિસ્ટ A મેચમાં 132 રન બનાવ્યા છે. આઠ T20 મેચોમાં, તેણે 207.03 ના સ્ટ્રાઇક રેટથી 265 રન બનાવ્યા છે.


Related Posts

Load more