Donald Trump News | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો કરીને ચોંકાવી ચૂક્યા છે ત્યારે આ શ્રેણીમાં તેમણે હવે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ મામલે તેમણે એક આદેશ પર હસ્તાક્ષર પણ કરીને સૌને ચોંકાવ્યા છે.
વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં ડેસ્ક પર બેસેલા વિદ્યાર્થીઓ સામે જ ટ્રમ્પે એક વિશેષ સમારોહ દરમિયાન આ આદેશ પર હસ્તાક્ષર કરતાં કહ્યું કે આ આદેશથી સંઘીય શિક્ષણ વિભાગને હંમેશા માટે ખતમ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ નકામું અને ઉદાર વિચારધારાથી દૂષિત થઈ ગયું હતું.
ટ્રમ્પના આદેશની શું અસર થશે?
1979માં રચાયેલા શિક્ષણ વિભાગને કોંગ્રેસની મંજૂરી વિના બંધ કરવું શક્ય નથી તેમ છતાં રિપબ્લિકન્સનું કહેવું છે કે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા એક બિલ લાવીશું. ટ્રમ્પે કહ્યું કે અમે શિક્ષણ વિભાગને તાળું મારવા જઈ રહ્યા છીએ. શિક્ષણ વિભાગ સારું કામ નથી કરતું. ટ્રમ્પના આદેશથી હવે શિક્ષણ વિભાગને થતું ફન્ડિંગ અને કર્મચારીઓ મળવાનું બંધ થઈ જશે. જોકે આદેશમાં એવું પણ કહેવાયું છે કે આ વિભાગ સંપૂર્ણપણે બંધ નહીં થાય પણ અમુક મહત્ત્વપૂર્ણ કાર્ય કરતું રહેશે. અમેરિકામાં શિક્ષણના માપદંડને સુધારવાની જરૂર છે અને અમે યુરોપ તથા ચીન જેવા દેશોથી પાછળ રહી ગયા છીએ.