USA and india Defence Deal | અમેરિકા ભારતને તેનું સૌથી ખતરનાક અને નવીનતમ ટેકનોલોજીથી સજ્જ ફાઇટર જેટ F-35 આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતથી ભારત માટે F-35 ફાઇટર જેટ મેળવવાનો માર્ગ મોકળો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું છે કે તેમનો દેશ ભારતને F-35 ફાઇટર પ્લેન પૂરા પાડશે.
ભારત સાથે સંરક્ષણ સહયોગ અંગે ટ્રમ્પે કહ્યું કે ભારતને ટૂંક સમયમાં F-35 ફાઇટર જેટ પૂરા પાડવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત સાથે સંરક્ષણ સહયોગને વધુ વધારશે. સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે આ વર્ષથી અમે ભારતને અનેક અબજ ડોલરના સૈન્ય શસ્ત્ર સરંજામના વેચાણમાં વધારો કરીશું. તેમણે કહ્યું કે લોકહીડ માર્ટિન F-35 લાઈટનિંગ II પણ ભારતને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
F-35 એ પાંચમી પેઢીનું ફાઇટર જેટ છે
F-35 સ્ટીલ્થ ફાઇટર એ પાંચમી પેઢીનું ફાઇટર જેટ છે. આ મહિનાની શરૂઆતમાં, તેણે બેંગલુરુના યેલહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિમાં ભાગ લીધો હતો.
કઈ કઈ ડીલ થઈ?
ભારત અને અમેરિકા વચ્ચે એક ડીલ થઈ છે જેમાં બંને દેશો વચ્ચે વેપાર ખોટને ઘટાડવા માટે ભારત અમેરિકા પાસેથી વધારે ઓઈલ અને ગેસની આયાત કરશે. તેનાથી રશિયા પરથી ભારતની નિર્ભરતા ઘટશે તેવું અનુમાન છે. અમેરિકા ભારત માટે નંબર 1 ઓઈલ અને ગેસનો સપ્લાયર બનવા માગે છે.