PMJAYમાં ગેરરીતિ બદલ વધુ બે હોસ્પિટલ સસ્પેન્ડ, બેને પેનલ્ટી, રાજકોટ-ભરૂચ બાદ વડોદરામાં ગોટાળા

By: nationgujarat
18 Dec, 2024

Pradhan Mantri Jan Arogya Yojana Scam : ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો પર તવાઇ આવી છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી જેમાં રાજકોટ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરિતી જોવા મળી હતી. આ જોતાં વધુ બે હોસ્પિટલોને પીએમજેવાયએ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઇ હતી. ગેરરીતી બદલ બે હોસ્પિટલોને કુલ મળીને રૂ.3.18 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજકોટમાં સ્વસ્તિક મલ્ટી  સ્પેશિયાલિટી હોસ્પિટલને  રૂ.2.94 કરોડનો દંડ    

આરોગ્ય વિભાગે પીએમજેવાયએ યોજના અંતર્ગત હોસ્પિટલોની તપાસ શરૂ કરી છે ત્યારે રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને વ્યાપક ગેરરિતી જોવા મળી હતી.આ ઉપરાંત  ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઘણી ગેરરિતીઓ ઘ્યાને આવી હતી. રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં તપાસ કરતાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, 196 સોનોગ્રાફીના રિપોર્ટ  છેડછાડ કરવામાં આવી હતી. આ જોતાં આ હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી સાથે સાથે કુલ રૂ.2,94 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્પેશ્યાલિસ્ટ ડૉ.રાજેશ કંડોરીયાને પણ યોજનામાંથી બરતરફ કરાયા હતાં.

રાજકોટ શહેરમાં ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ હોસ્પિટલમાં બીયુ પરમિશન ન હતું. જરૂરી સ્ટાફ પણ ન હતો. આ કારણોસર હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.જ્યારે ભરૂચમાં જયાબેન મોદી હોસ્પિટલમાં એવી ગેરરિતી જોવા મળી કે,  ટ્યુમર બોર્ડ સર્ટીફિકેટમાં ખોટા સહી અને સિક્કા કરી  સોફટવેરમાં અપલોડ કર્યા હતાં.આ કારણોસર હોસ્પિટલ સંચાલકો પાસેથી  કુલ રૂ.33,44,031/- રકમ રીકવરી કરવા નક્કી કરાયુ છે.

વડોદરામાં બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જરીમાં આયુષ્માન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરાતુ હોવાનું ઘ્યાને આવ્યું છે ત્યારે કુલ રૂ.57,51,689/- રકમ રીકવરી કરવામાં આવશે.  આમ, ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ગેરરિતીઓ રોકવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તપાસનો દોર આગળ ધપાવ્યો છે તે જોતાં આગામી દિવસોમાં વધુ ખ્યાતિકાંડ ખુલે તેવી સંભાવના છે.

કાર્ડિયોલોજી, રેડિયોથેરાપી, નીઓનેટલ કેરની માર્ગદર્શિકા જાહેર કરાશે

પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજનામાં ઘણી ગેરરિતી સામે આવી છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગે કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી,  રેડિયોથેરાપી અને નીઓનેટલ કેર સહિતની સારવાર માટેની નવી માર્ગદર્શિકાને આખરી ઓપ આપી દીધો છે. આજે આ માર્ગદર્શિકા જાહેર થઇ શકે છે. જેનો રાજ્યના ખાનગી હોસ્પિટલોમાં તાકીદે અમલ કરવા રાજ્ય આરોગ્ય વિભાગે નક્કી કર્યુ છે.


Related Posts

Load more