ટીવી, રેફ્રિજરેટર, સ્માર્ટફોન સસ્તાં થઈ શકે છે:ચીની મેન્યુફેક્ચરર્સ ભારતને 5% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે

By: nationgujarat
10 Apr, 2025

અમેરિકા સાથે વધતી ટ્રેડવોર વચ્ચે ઘણા ચીની ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ ભારતીય કંપનીઓને 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ભારતીય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ માગને પ્રોત્સાહિત કરવા માટે આ ડિસ્કાઉન્ટનો એક ભાગ ગ્રાહકોને આપી શકે છે.

આ પગલાને કારણે ભારતમાં ટીવી, ફ્રિજ, સ્માર્ટફોન જેવી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થઈ શકે છે. ETએ આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

ચીની મેન્યુફેક્ચરર્સને માગ ઘટવા અંગે ચિંતા

નિષ્ણાતો માને છે કે ટ્રેડવોરને કારણે અમેરિકામાં ચીનથી આવતો માલ-સામાન મોંઘો થશે, જેના કારણે માગમાં ઘટાડો થઈ શકે છે. માગના ઘટવાની ચિંતાઓ ચીની કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ પર દબાણ વધારી રહી છે. આવી સ્થિતિમાં માગ વધારવા માટે આ મેન્યુફેક્ચરર્સ ભારતીય કંપનીઓને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

ટેરિફ ટાઇમલાઇન: અમેરિકા Vs ચીન

  • 2 એપ્રિલ, 2025: અમેરિકાએ ચીન પર કુલ 54% (20%+34%) ટેરિફ લાદ્યો. ચીન અમેરિકા પર 67% ટેરિફ લાદતું હતું.
  • 4 એપ્રિલ, 2025: ચીને અમેરિકા પર 34% ટેરિફ લાદીને બદલો લીધો. કુલ ટેરિફ (67%+34%) 101% સુધી પહોંચ્યો.
  • 8 એપ્રિલ, 2025: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ચીન 34% ટેરિફ પાછો નહીં ખેંચે તો તેઓ વધારાનો 50% ટેરિફ લાદશે.
  • 9 એપ્રિલ, 2025: ચીને ટેરિફ પાછો ખેંચવાનો ઇનકાર કર્યો અને કુલ ટેરિફ 104% (54%+50%) સુધી વધી ગયો.
  • 9 એપ્રિલ, 2025: અમેરિકાના ટેરિફના જવાબમાં ચીને 50% ટેરિફ લાદ્યો. કુલ ટેરિફ 151% (101%+50%) થયો.
  • 9 એપ્રિલ, 2025: અમેરિકાએ ખાંડની આયાત પર વધારાનો 21% ટેરિફ લાદ્યો. ચીન પર કુલ ટેરિફ વધીને 125% થયો.

અમેરિકામાં ટેરિફ વધવાથી ચીનની વસ્તુઓ મોંઘી થશે

ચીન પર 125% ટેરિફ લાદવાનો સીધો અર્થ એ છે કે ચીનમાં બનેલી 100 ડોલરની પ્રોડક્ટ હવે અમેરિકા પહોંચશે ત્યારે એની કિંમત 225 ડોલર થશે. અમેરિકામાં ચીની વસ્તુઓ મોંઘી થતાં એની માગ ઘટશે અને વેચાણ ઘટશે.

જો અમેરિકા પર હુમલો થશે તો ટ્રમ્પ જવાબ આપશે

ચીન પર ટેરિફ લાદવામાં આવ્યા પછી વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું: “જ્યારે તમે અમેરિકાને ફટકારશો ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તમને વધુ સખત ફટકારશે.”


Related Posts

Load more