સોમવારે બપોરે (સ્થાનિક સમય મુજબ) ટોરન્ટોના પિયર્સન એરપોર્ટ પર ડેલ્ટા એરલાઈન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાનમાં 80 મુસાફરો સવાર હતા. બર્ફીલા રનવે પર લેન્ડિંગ દરમિયાન વિમાન પલટી ખાઈ ગયું અને ઉલ્ટું થઈ ગયું. આ અકસ્માતમાં 17 લોકો ઘાયલ થયા. જેમાં એક બાળક, એક 60 વર્ષનો પુરુષ અને એક 40 વર્ષની મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહતના સમાચાર એ છે કે મુસાફરો અને ક્રુ સભ્યો બચી ગયા. બાળકને હોસ્પિટલ ફોર સિક ચિલ્ડ્રન અને અન્ય બે ઘાયલોને અલગ અલગ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા.
અકસ્માત પહેલાનો વીડિયો
અકસ્માતમાં જીવિત બચેલી એક મહિલાએ બનાવેલા વીડિયોમાં વિમાનના પલટી ગયા બાદ એક મહિલા મુસાફરને તેની સીટ પર ઉલટી લટકેલી જોઈ શકાય છે. મહિલાએ વીડિયો શેર કરતા લખ્યું કે મારું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું અને હું ઉંઘી લટકાઇ ગઈ. વીડિયોમાં ડરેલા મુસાફરો વિમાનમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ સુરક્ષિત જગ્યા પર જવાની કોશિશ કરતા દેખાયા. વીડિયોમાં પરેશાન મુસાફર કહે છે કે હું વિમાન દુર્ઘટનામાં ફસાઈ ગયો
રનવે બંધ કરવો પડ્યો
આ વિમાન સોમવારે બપોરે મિનિયાપોલીસથી ટોરન્ટો જઈ રહ્યું હતું. વિમાનમાં લગભગ 80 લોકો સવાર હતા. જેમાંથી મોટાભાગના સુરક્ષિત બચી ગયા. પીલ વિસ્તારના એક પેરામેડિક અધિકારીએ એ વાતની પુષ્ટિ કરી. અકસ્માત બાદ થોડા સમય માટે એરપોર્ટના રનવેને બંધ કરી દેવાયો હતો પરંતુ બાદમાં ફરીથી શરૂ કરાયો. પિયર્સન એરપોર્ટે બપોરે 3 વાગે જાહેરાત કરી કે તમામ મુસાફરો અને ક્રુ સભ્યો સુરક્ષિત છે.
ભારે બરફવર્ષાથી અનેક ફ્લાઈટ્સ પ્રભાવિત
22 સેન્ટીમીટર બરફવર્ષાના કરાણે અઠવાડિયાના અંતમાં અનેક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી જેના કારણે સોમવારે એરપોર્ટ પર ભારે ટ્રાફિકની આશંકા હતી. સોમવારે લગભગ 1000 ફ્લાઈટમાં એક લાખ 30 હજાર મુસાફરોના આવવાની સંભાવના હતી. અકસ્માતવાળી જગ્યા પર અનેક ઈમરજન્સી ગાડીઓ પહોંચી. એર કેનેડાના હેંગર અને આસમાની આકાશ જોઈ શકાતા હતા.
કેનેડાના પરિવહન મંત્રીનું નિવેદન
ડેલ્ટા એરલાઈન્સે પુષ્ટિ કરી કે આ વિમાન ફ્લાઈટ 4819 હતી જેને એન્ડેવર એર દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી. એરલાઈન્સે કહ્યું કે મુસાફરોની દેખભાળને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. કેનેડાના પરિવહન મંત્રી અનીતા આનંદે આ ઘટનાને ગંભીર દુર્ઘટના ગણાવી અને તપાસ માટે પરિવહન બોર્ડના અધિકારીઓને મોકલ્યા. ટોરન્ટોના મેયર ઓલિવિયા ચાઉએ રાહત વ્યક્ત કરી કે તમામ મુસાફરો અને ક્રુ સભ્યો સુરક્ષિત છે અને સાથે ક્રુ સભ્યોની તરત કરાયેલી કાર્યવાહીના વખાણ પણ કર્યા.