તા. ૫ થી ૭ એપ્રિલ સુધી સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૪મી જયંતી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે તા.૫ ના રોજ સાંજે ૪ – ૦૦ થી સાંજે ૮ -૦૦ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન યોજાશે.
તા. ૬ ને રવિવારે સવારે ૭ – ૦૦ થી ૧૨ – ૦૦ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થશે અને ત્યારબાદ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનકવન ઉપર અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી શિક્ષાપત્રી ઉપર વિવેચન કરશે.
સાંજે ૩ – ૦૦ થી ૧૦ -૦૦ સંતવાણી, ધૂન યોજાશે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્યોત્સવ રાત્રે ૧૦ ૦૦ વાગે ઉજવાશે.
તા. ૭ ના રોજ શ્રી ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ વિધિ, મહાભિષેક, ભવ્ય અન્નકૂટ, સંતવાણી આદિ કાર્યક્રમો યોજાશે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય અયોધ્યા પાસે છપૈયા ખાતે ચૈત્ર સુદ નોમ સંવત્ ૧૮૩૭ના રોજ થયું હતું.
વિક્રમ સંવત્ ૧૮૫૮ કારતક સુદ એકાદશીના દિવસે પીપલાણામાં તેમને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી નામ પાડ્યું હતું. ત્યારબાદ તેઓશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે સમગ્ર જગતમાં પ્રસિદ્ધ થયા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોએ જનસમાજના ઉત્થાન માટે વ્યસનમુક્તિ અભિયાન ચલાવ્યું અને અનેકને સદાચારીમય જીવન જીવતા કર્યાં છે. તેમણે અસંખ્ય સંતો અને હરિભક્તો બનાવ્યા. શિક્ષાપત્રી અને વચનામૃત આદિ અનેક ગ્રંથોની રચના કરી.સંસ્કારોનું સદાય પોષણ થતું રહે તે માટે અનેક મંદિરો સ્થાપ્યા છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ – વિદેશમાં અસંખ્ય મંદિરો, સંતો અને સત્સંગીઓ છે.