કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૯૫મો અંતર્ધાન દિન ઉજવાશે.

By: nationgujarat
04 Jun, 2025

તા. ૫ જૂનને ગુરુવારના સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૫મા અંતર્ધાન દિન નિમિત્તે સવારે ૯ – ૦૦ વાગે રંગબેરંગી ફૂલોના અદ્ભૂત શણગાર સજવામાં આવશે.
રાત્રે ૯ – ૦૦ થી ૧૦ – ૦૦ આ પ્રસંગે શ્રીજી વિજય સેવા સમિતિના સભ્યોની સત્સંગ સભા યોજાશે.

જેની અંદર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન પ્રસંગો અને તેમણે આપેલ જીવન સંદેશાનું વર્ણન કરશે.

આ પ્રસંગે કુમકુમ મંદિર દ્વારા આરોગ્ય સહાય આપવામાં આવશે. જેની અંદર એક્સ – રે,એમ.આર.આઈ. અને વિવિધ બ્લ્ડ રીપોર્ટ કરવામાં ૨૦ ટકાથી ૫૦ ટકા સુધીની સહાયની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાર્યો માત્ર ર૮ વર્ષના સમયગાળામાં કર્યા અને અનેક મંદિરો શાસ્ત્રો સંતો બનાવીને જનસમાજનું ઉત્થાન કર્યુ છે અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અને તેનું સંવર્ધન કરવા રાત્રી દિવસ ગુજરાતના ગામડે ગામડે વિચરણ કર્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન ૧૯૫ વર્ષ પૂર્વ ગઢપુરમાં જેઠ સુદ દશમના રોજ અંતર્ધાન થયા હતા.પરંતુ આજે તેઓ પ્રતિમારૂપે, શાસ્ત્રોરૂપે અને સંતોના હૃદયમાં પ્રગટ રહ્યા છે, તો આપણે આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા જીવન સંદેશને આપણા જીવનમાં ઉતારવો જોઈએ, તો જ આપણે સાચા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે.


Related Posts

Load more