T20 WorldCup – ફાઇનલની હારેલી મેચ ભારતે જીતી ઇતિહાસ રચ્યો, 7 રનથી હાર્યુ આફ્રિકા

By: nationgujarat
29 Jun, 2024

બાર્બાડોસઃ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં ઈતિહાસ રચી દીધો છે. ભારતે આઈસીસી ટી20 વિશ્વકપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને પરાજય આપી ટ્રોફી કબજે કરી છે. ભારતીય ટીમે 11 વર્ષ બાદ કોઈ આઈસીસી ટ્રોફી જીતી છે. છેલ્લે ભારત 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત્યું હતું. ટી20 વિશ્વકપની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 176 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી.

અંતિમ ઓવરોમાં ભારતની શાનદાર વાપસી
એક સમયે આફ્રિકાએ 16 ઓવરમાં 151 રન બનાવી લીધા હતા અને ક્લાસેન તથા ડેવિડ મિલર બેટિંગ કરી રહ્યાં હતા. આફ્રિકાને જીત માટે 24 બોલમાં 26 રનની જરૂર હતી. ત્યારબાદ જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે શાનદાર વાપસી કરી હતી. બુમરાહે યાન્સેન તો હાર્દિક પંડ્યાએ ક્લાસેનને આઉટ કર્યો હતો. ભારતે શાનદાર વાપસી કરી હતી.

પાવરપ્લેમાં ભારતને મળી બે સફળતા
ભારતીય બોલરોએ શાનદાર શરૂઆત કરી હતી. જસપ્રીત બુમરાહે રિઝા હેન્ડ્રિક્સને 4 રને ક્લિન બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ એડન માર્કરમ 4 રન બનાવી અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો. આફ્રિકાએ પાવરપ્લેમાં બે વિકેટે 46 રન બનાવ્યા હતા.

ડિ કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સ સારી શરૂઆત બાદ આઉટ
આફ્રિકા માટે ક્વિન્ટન ડિ કોક અને ટ્રિસ્ટન સ્ટબ્સે ત્રીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ 21 બોલમાં 3 ચોગ્ગા અને એક સિક્સ સાથે 31 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ડિ કોક ચોથી વિકેટના રૂપમાં 39 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ડિ કોકે 31 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી.

હેનરિક ક્લાસેનની શાનદાર અડધી સદી
આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેને આક્રમક બેટિંગ કરી હતી. ખાસ કરીને અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સામે શાનદાર છગ્ગા ફટકાર્યા હતા. ક્લાસેન 27 બોલમાં 2 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 52 રન બનાવી આઉટ થયો હતો.
માર્કો યાન્સેન 2 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. ડેવિડ મિલર 17 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. રબાડા 4 રન બનાવી આઉટ થયો હતો.

કોહલીની અડધી સદી
ભારત તરફથી ટી20 વિશ્વકપ 2024માં અત્યાર સુધી વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. પરંતુ ફાઈનલમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ ટીમ મુશ્કેલમાં હતી ત્યારે ઈનિંગ સંભાળી હતી. વિરાટ કોહલીએ 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વિરાટ કોહલી 59 બોલમાં 6 ચોગ્ગા અને બે સિક્સ સાથે 76 રન બનાવી આઉટ થયો હતો.

અક્ષર પટેલની પણ શાનદાર ઈનિંગ
એક સમયે ટીમ ઈન્ડિયાએ 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલને બેટિંગમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું. અક્ષર પટેલ પાંચમાં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. અક્ષર પટેલે શરૂઆતથી આક્રમક બેટિંગ કરી હતી. અક્ષરે 31 બોલમાં 4 સિક્સ અને એક ચોગ્ગા સાથે 47 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલ અને વિરાટ કોહલીએ ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી.

ભારતની શરૂઆત ખરાબ
વિશ્વકપ ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શાનદાર ફોર્માં રહેલો રોહિત શર્મા 9 રન બનાવી કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. આ સિવાય રિષભ પંત 0 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ પણ 3 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. શિવમ દુબેએ 16 બોલમાં 27 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 5 રન બનાવી અણનમ રહ્યો હતો.

મહારાજ-નોર્ત્જેની બે-બે વિકેટ
આફ્રિકા તરફથી કેશવ મહારાજે 3 ઓવરમાં 23 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય એનરિક નોર્ત્જેએ 4 ઓવરમાં 26 રન આપી બે સફળતા મેળવી હતી. કગિસો રબાડા અને માર્કો યાન્સેનને એક-એક વિકેટ મળી હતી.


Related Posts