આઈપીએલ 2024 બાદ ક્રિકેટના ચાહકો હવે આઈસીસી ટી20 વર્લ્ડકપની રાહ જોઈ રહ્યા છે. 2 જૂનથી 29 જૂન સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટની મેચ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની ધરતી પર રમાશે. પહેલી વખત અમેરિકા ક્રિકેટની મેજબાની કરી રહ્યું છે. ત્યારે ટૂર્નામેન્ટ શરુ થતાં પહેલા ન્યૂયોર્કનું નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ખુબ ચર્ચા થઈ રહી છે. આ સ્ટેડિયમ ન માત્ર દુનિયાનું પહેલું મોડ્યુલર ક્રિકેટ સ્ટેડિયમ છે પરંતુ આ મેદાન પર ભારત-પાકિસ્તાનની મેચ પણ રમાશે.
આઈસીસીએ આ વર્ષ જાન્યુઆરી મહિનામાં ન્યુયોર્કમાં 34,000 સીટ વાળું મોડ્યુલર સ્ટેડિયમનું અનાવરણ કર્યું હતુ. ન્યુયોર્ક, યુએસએમાં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ T20 વર્લ્ડ કપ 2024 માટે તૈયાર છે. 30 મિલિયન ડોલરના ખર્ચે ત્રણ મહિનામાં બનેલા આ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.
સ્ટેડિયમના મુકાબલે એક મોડ્યુલર સ્ટેડિયમ શોર્ટ ટર્મ માટે બનાવવામાં આવે છે. જેને એલ્યુમીનિયમ અને સ્ટીલથી બનાવવામાં આવે છે કારણ કે, તે સરળતાથી બની જાય. જેને તોડી ફરી બનાવી શકાય છે ભલે ટકાઉ ન હોય પરંતુ તેમાં તમામ સ્ટેડિયમ જેવી સુરક્ષા,આરામની સુવિધા પણ આપવામાં આવે છે. આ પહેલા કતરમાં આયોજિત ફિફા વર્લ્ડકપ 2022માં પણ સ્ટેડિયમ 974નામનું એક મોડ્યુલર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતુ. જેને તૈયાર કરતો માત્ર થોડો જ સમય લાગ્યો હતો.
ન્યુયોર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં એક સાથે 34,000 ચાહકો આરામથી બેસી મેચ જોઈ શકશે. જાણકારી મુજબ ઈંગ્લેન્ડના કોઈપણ અન્ય ક્રિકેટ સ્ટેજ કરતા મોટું છે. તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ કરતાં પણ કદમાં મોટું છે, જેણે 2011માં 50-ઓવરના વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી.
ન્યુયોર્કનું મોડયુલર ક્રિકેટ સ્ટેડિયમ પોપુલસ નામની એક વર્લ્ડ ક્લાસ વેન્યુ આર્કિટેક્ચર ફર્મે ડિઝાઈન કર્યું છે. જેમણે અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડિઝાઈન કરી હતી. ક્રિકેટ સિવાય દુનિયાનું સૌથી આઈકોનિક સ્ટેડિયમમાંથી એક ન્યુયોર્કનું યાંકી સ્ટેડિયમને પણ પોપુલસે ડિઝાઈન કર્યું છે.