નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડની ખતરનાક પીચને લઈને વિવાદ ઊભો થયો છે. અહીં એક પછી એક લો સ્કોરિંગ મેચ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) માટે ચિંતાનો વિષય બની રહી છે.
બુધવારે અહીં ભારત-આયર્લેન્ડ મેચ દરમિયાન ડ્રોપ-ઇન પિચમાં અસામાન્ય ઉછાળો જોવા મળ્યો, જેના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર રિષભ પંત ઈજાગ્રસ્ત થયા. રોહિતને રિટાયર હર્ટ થવું પડ્યું. ન્યૂયોર્કના આ મેદાન પર 9 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાવાની છે.
ICCએ ભારત-પાકિસ્તાન મેગા મેચ પહેલાં ડ્રોપ-ઇન પિચનું સમારકામ શરૂ કરી દીધું છે. બુધવારે રાત્રે ભારત-આયર્લેન્ડ મેચ બાદ ICC પિચ ક્યુરેટર અને સ્ટાફ પિચને રિપેર કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડ પણ ક્યુરેટર્સને સૂચના આપતા જોવા મળ્યા હતા
ભારત-આયર્લેન્ડ મેચના 4 ખતરનાક બોલ, જેના પર થયો હતો વિવાદ…
શા માટે નાસાઉની પિચ પર અસામાન્ય ઉછાળો?
ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં તૈયાર કરાયેલા આ સ્ટેડિયમમાં ડ્રોપ-ઈન પિચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેદાન પર સ્થાયી થવા માટે ડ્રોપ-ઇન પિચને યોગ્ય રીતે ફેરવવામાં આવે છે, પરંતુ ગયા અઠવાડિયે ખરાબ હવામાનને કારણે, પિચ રોલ કરી શકાઈ નથી.
ભારત-આયર્લેન્ડ મેચ 28.2 ઓવરમાં સમાપ્ત થઈ
નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 5 જૂને રમાયેલી ભારત-આયર્લેન્ડની મેચ માત્ર 28.2 ઓવરમાં સમાપ્ત થઈ ગઈ હતી. અહીં ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા ઊતરેલી આયર્લેન્ડની ટીમ 16 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યાર બાદ ભારતે 12.2 ઓવરમાં 97 રનના સ્કોરનો ચેઝ કરતાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.
સતત બીજી મેચમાં 100થી ઓછો સ્કોર, શ્રીલંકા 77 રને ઓલઆઉટ
નાસાઉની ડ્રોપ-ઈન પિચ પર બે વર્લ્ડ કપ મેચ રમાઈ છે, પરંતુ કોઈ પણ ટીમ 100થી વધુ રન બનાવી શકી નથી. છેલ્લી મેચમાં શ્રીલંકા 77 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને દક્ષિણ આફ્રિકાએ 78 રનના ટાર્ગેટને ચેઝ કરવા માટે 16.2 ઓવર લીધી હતી. આ મેચમાં 14માંથી 9 વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી.