શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે નિર્માણ કરેલું વિશ્વનું સર્વ પ્રથમ ઈકો ફ્રેન્ડલી શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી લંડનનો દશાબ્દિ મહોત્સવ અંતર્ગત સેન્ટ લ્યુકસ હોસપીસ, લંડનને અત્યાર સુધીનુ રૂા. ૮૦ લાખનું દાન લોર્ડ ડોલર પોપટ, પેટ્રોન, નીલ રાડીમા ટ્રસ્ટીને સેવાકાર્યો માટે અર્પણ કરાયું હતું.
દુનિયાના દેશોમાં યુદ્ધનો વિરામ થાય, વસુધૈવ કુટુંબકમની સનાતન ભાવનાનો આદર થાય તેવા શાંતિ સંદેશ સાથે પ્રાર્થના કરી, કબૂતર ઉડાડી લંડનના માર્ગો ઉપર વિશ્વશાંતિ નગરયાત્રા યોજાઈ હતી જેમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ લંડન તથા બોલ્ટને વિશ્વ શાંતિની ધૂન રેલાવી હતી.
શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી દશાબ્દિ મહોત્સવ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, કેન્સરના દર્દીઑ માટે જરૂર પડતી સ્ટેમ સેલનું રેજિસ્ટ્રેશન કરાયું હતું તેમજ ૪ કરોડ શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું લેખન કાર્ય થયું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દશાબ્દિ મહોત્સવમાં પાંચ ખંડોના હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો.
યુ.કે.ના માનનીય વડાપ્રધાન શ્રી કેયર સ્ટ્રારમર, ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.
ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પટેલ, લલિતભાઈ ડબાસીયા, ડો. મહેશભાઈ વરસાણી વિગેરે મહાનુભાવો, કાર્યકરો પણ સેવામાં સહભાગી રહ્યા હતા.