શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરા ખાતે ફૂલદોલોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

By: nationgujarat
26 Mar, 2024

પંચમહાલ- દાહોદ જિલ્લામાંથી ૫૦૦ કિલો કેસૂડાંનાં ફૂલો લાવવામાં આવ્યાં હતા

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરા પંચમહાલ ખાતે આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસદજી સ્વામીની અનુજ્ઞાથી મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની નિશ્રામાં ફુલદોલોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીજીમહારાજને ગુલાલ તથા રંગથી અભિષેક કરવામાં આવ્યો હતો. પર્વ નિમિતે ૫૧૧ કિલોથી વધુ ખજૂર, ધાણી, દ્રાક્ષ તથા ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને કેસૂડાં, ધાણી તથા હારડાનો શણગાર કરવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરા ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશીય પરંપરાના ષષ્ઠ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની અનુજ્ઞાથી પૂજનીય સંતોની નિશ્રામાં હજજારો હરિભક્તોએ તા. ૨૫ માર્ચ ને સોમવારના રોજ સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ વાગ્યા સુધી ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપા ઉપર મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામીએ ગુલાલ તથા રંગથી અભિષેક કર્યો હતો અને ત્યારબાદ તે પ્રસાદીભૂત ગુલાલનો છંટકાવ સંતો ઉપર કર્યો હતો. આ રંગોત્સવ પર્વે ફગવા રુપે ૫૧૧ કિલોગ્રામથી વધારે ખજૂર, ધાણી, દ્રાક્ષ અને ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગવાયા હતા અને ઔચ્છવ કરવામાં આવ્યો હતો. અંતમાં સૌને ધાણી – દ્રાક્ષ – ખજૂર – ચણાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. ‘ફૂલદોલોત્સવ’ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે – જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે. જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર – બાર બારણાંના હિંડોળામાં ઝુલાવામાં આવ્યા હતા અને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર – બાર સ્વરુપે બિરાજીને દર્શન આપ્યા હતા.
સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહ્યો છે. ભગવાન આ ‘ફુલદોલોત્સવ’ ખૂબ ધામધૂમથી ઉજવતા. આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી આ ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસૂડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો – ભકતો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાણી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે.

ધુળેટીને ફુલદોલોત્સવ, પુષ્પદોલોત્સવ, રંગોત્સવ કે પોંખોત્સવ પણ કહેવામાં આવે છે. આ ફુલદોલોત્સવના પ્રારંભ માટે એમ માનવામાં આવે છે કે,એક વખત અર્જુન અને યાદવોની સાથે શ્રી કૃષ્ણ ભગવાન એકવાર રૈવતાચળ – ગિરનારમાં ગયા હતા ત્યાં યાદવોએ શ્રીકૃષ્ણને અને અર્જુનને પ્રસન્ન કરવા હિંડોળાની રચના કરી હતી. અને તેમાં તેમને બેસાડીને ઝુલાવ્યા હતા.ત્યારથી એ બંને નરનારાયણ નામે પ્રસિદ્ધિને પામ્યા અને પુષ્પદોલોત્સવનો પ્રારંભ થયો. આમ, ભગવાનને ફૂલના હિંડોળમાં ઝુલાવવામાં આવે તેને પુષ્પદોલોત્સવ કે ફૂલદોલોત્સવ કહેવામાં આવે છે.


Related Posts

Load more