સ્વામિનારાયણ ગાદી સંસ્થા – બાવળા ખાતે શ્રી અબજીબાપા આરતી દિન – ૯૭ મી જયંતીનો કાર્યક્રમ ઉજવાયો.

By: nationgujarat
07 Apr, 2024

શ્રીજી સ્વયંમૂર્તિ અબજી બાપાશ્રી વિક્રમ સંવત ૧૯૮૩ ના ફાગણ માસમાં કરાંચી પધાર્યા હતા. સાથે હતા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડરસિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા, જ્ઞાનાચાર્ય સદ્ગુરુ શ્રી વૃંદાવન દાસજી સ્વામી વગેરે.
કરાંચીના અંતિમ વિચરણ દરમિયાન ફાગણ વદ બારસના દિવસે ગાડી ખાતામાં આવેલ બાઈઓનાં મંદિરે સુખ શય્યામાં તથા છત્રી ઉપર મૂર્તિ પધરાવવાનાં હતાં. સાંખ્યયોગી બાશ્રી લીરુબા, સાંખ્યયોગી બાશ્રી ડાહીબા, સાંખ્યયોગી બાશ્રી ભાણબા વગેરે સાંખ્યયોગી બાઈઓને બાપાશ્રી પ્રત્યે પ્રેમ હતો. વાજતે ગાજતે જવાનું હતું તેથી વાજાં અને પડઘમ વાગવા લાગ્યાં. મોટર પણ આવી ગઈ. તેમાં જે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની હતી તે મૂર્તિઓ ગાદી-તકિયા બિછાવીને તેના ઉપર પધરાવી. ઉત્સવ કરતા કરતા સહુ મંદિરે પહોંચ્યા. જીવનપ્રાણ બાપાશ્રી તથા સદ્ગુરુબાપાએ ચંદન પુષ્પથી મૂર્તિઓની પૂજા કરીને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તે નિમિત્તે આરતી ઉતારી.
જીવનપ્રાણ અબજી બાપાશ્રીને ખૂબ જ પ્રસન્ન જોઈને સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા તથા સદ્ગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીએ પ્રાર્થના કરી કે, બાપા! આ ખુરશીમાં બિરાજમાન થાઓ અને આપશ્રીએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી માટે આશીર્વાદ આપો. ત્યારે જીવનપ્રાણ બાપાશ્રી ખુરશીમાં બેસીને આશીર્વાદ આપતાં બોલ્યા કે, “અહીં આવીને જે શ્રીજી મહારાજનાં દર્શન કરશે તેનો આત્યંતિક મોક્ષ થશે.” આ પરમ પાવન પળે સાંખ્યયોગી બાશ્રી લીરુબા વગેરે સાંખ્યયોગી બાઈઓએ પ્રાર્થના કરી કે, હે બાપા! આજે સુવર્ણ વસ્ત્ર ધારણ કરો… અને અબજી બાપાશ્રીએ સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા તથા લાલુભાઇ વગેરે હરિભક્તોએ સોનેરી વસ્ત્રો ધારણ કરાવ્યાં.
તે વખતની શોભા અલૌકિક બની હતી. સૌ હરિભક્તો મહારાજ તથા બાપાશ્રી અને સંત મંડળનાં દર્શન કરે. મંદિરમાં અને બહાર માણસો ઊભા સમાય નહીં. સાંખ્યયોગી બહેનોએ હરિભક્તો દ્વારા સંતોને પ્રાર્થના કરાવી કે, અમારા વતી બાપાશ્રીની આરતી ઉતારે. સૌ દર્શનમાં ભાવવિભોર હતા તેમાંય સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા અતિશય ભાવસમાધિમાં હતા. તેઓશ્રીને હરિભક્તોએ આરતી તૈયાર કરીને કહ્યું કે, સૌ સંતો બાઈઓ વતી આરતી ઉતારો.
આરતી લઈને સંતો ઊભા તો થયા પણ સર્વે અભિનવ અને અલૌકિક દર્શન કરવામાં શૂન્યમનસ્ક હતા. એવામાં સદ્ગુરુ બાપાના મુખમાંથી ધીમે અવાજે પણ છતાંય સૌ સાંભળે તેમ શબ્દોની સરવાણી વહેવા લાગી.
જય અબજી બાપા, વ્હાલા જય અબજી બાપા… આ આરતી સમગ્ર સંતો ભક્તો ઝીલવા લાગ્યા. ત્યારથી અદ્યાપિ પર્યંત આ આરતી કારણ સત્સંગમાં સંતો-ભક્તો દરરોજ બોલી રહ્યા છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળામાં જય અબજીબાપા આરતીને ૯૭ વર્ષ પૂર્ણ થતાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે જીવનપ્રાણ અબજી બાપાશ્રીનું પૂજન-અર્ચન, પુષ્પહાર પહેરાવી અને આરતી ઉતારી હતી અને મહિમા ગાન કરવામાં આવ્યું હતું.

આ અવસરનો લ્હાવો દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.


Related Posts

Load more