શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન- યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા

By: nationgujarat
16 Jul, 2024

કંપાલા શહેર યુગાન્ડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે. કંપાલા શહેર એ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. સિટી મેયર્સ દ્વારા ન્યુયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મર્સર દ્વારા કિગાલી અને નાઈરોબી શહેર કરતાં પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત પદરેણુથી અનેકવાર પાવન થયું છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર, કંપાલા અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના કંપાલા – યુગાન્ડામાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં કંપાલા – યુગાન્ડામાં “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત ગ્રંથ શિરોમણિ “શિક્ષાપત્રી” સમૂહ પાઠ, સમૂહ મહાપૂજા, પૂજન – અર્ચન, નિરાજનની ભકિતભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીની રચના ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરી છે. સંવત ૨૦૮૨ મહા સુદ પાંચમના રોજ ૨૦૦ વર્ષ પૂર્ણ થશે એટલે કે “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા સજાવીને સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેમજ શિક્ષાપત્રી સમૂહ પાઠ, સમૂહ મહાપૂજાનું ભકિતભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ. શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૯૮ વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી. જેમાં ૩૫૦ કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે. સર્વ શાસ્ત્રોના દોહનરૂપ સાર એટલે શિક્ષાપત્રી. શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં ‘સાગરને ગાગર’ માં સમાવિષ્ટ કરાયો છે. શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની જડીબુટ્ટી. શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે, વર્તવાની શીખ આપી છે. શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રી ઉપદેશ કરનાર નહીં પરંતુ પરમ શ્રેયસ્કર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર છે. આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી બનાવવાનો છે. આ ગ્રંથના દરેક શ્લોક, પ્રત્યેક આજ્ઞાઓ વસુધૈવ કુટુંબકમનો સંદેશો આપે છે. શિક્ષાપત્રી શ્રીજીમહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે. પરંતુ સમાજના સૌ કોઇ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે.

આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણિ શ્રી સહજાનંદ સ્વામી, શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો, આબાલવૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં ૨૧૨ શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન, પૂજન તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારવામાં આવી હતી. આ અવસરનો લ્હાવો હરિભક્તોએ ભકિતભાવપૂર્વકના અંતરના ઉમળકાભેર લીધો હતો.


Related Posts

Load more