ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી, હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર..

By: nationgujarat
20 Mar, 2025

Rushikesh patel Statement on Health workers Protest: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા ત્રણ વર્ષોથી સંતોષવામાં ન આવતાં આજે તેમણે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા આંદોલનને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓની અટકાયતનો દોર શરૂ કરી 1000 જેટલા આરોગ્યકર્મીની ધરપકડ કરી છે. આરોગ્યકર્મીઓની હડતાળના મામલે આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે નિવેદન આપતાં કહ્યું છે કે ‘આરોગ્યકર્મીઓની આ હડતાળ ગેરવ્યાજબી છે.  હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.’

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ‘આ બાબતે સરકાર કંઇક કરી શકતી હોત તો ચોક્કસ આગળ વધતી હોય છે. આ વખતે પણ તેમને જે મુદ્દા મુક્યા છે, જેમાં એકાદ બે બાબતો એવી છે જેમાં સહમતિ બની છે. સરકાર આ બાબતે પોઝિટિવ છે. પરંતુ જે મુદ્દાઓ ચર્ચા વિચારણા અથવા તે વાતને ડીપમાં જઇ જોવાનો જ્યાં અવકાશ બાકી હોય તે મુદ્દો પણ સરકાર વગર વિચારે, સરકારના સમગ્ર વહિવટનો વિચાર કર્યા વગર સીધે સીધે માંગણીઓ સ્વિકારી લે એવું ન બને. તેમનો કોઇપણ મુદ્દો હોય તે મુદ્દાની સાથે સુસંગત વાત થાય. છેવટે તો આ ટેક્સનો પૈસો જ્યારે રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઇએ.’

અત્યારે તેમની જે માંગણી છે તે બાબતે ચર્ચાઓ પણ કરી છે. ભૂતકાળની અંદર જે વાત થઇ હતી જે અનુસંગિક વાત આજે પણ થઇ હતી. રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલ સમયમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે જતા હોય ત્યારે આ પ્રકારની હડતાળ કરી તંત્રને બાનમાં લઇ ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ યોગ્ય નથી. હું તેમને અપીલ કરું છું કે આ હડતાલ વહેલી તકે સમેટી લેવામાં આવે, નહીંતર સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.

ગાંધીનગરમાં કિલ્લાબંધી, 3 લેયર સુરક્ષા 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આરોગ્ય કર્મીઓની અટકાયત તેમના જિલ્લાઓમાંથી શરૂ થઈ ગઈ છે. જેમાં જિલ્લાના પ્રમુખ માર્ગો પર પોલીસ દ્વારા તેમને ગાંધીનગર તરફ જતા અટકાવી દેવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાની ચીમકી આપી ગાંધીનગર ગેટ નંબર 1 આગળ પહોંચે એ પહેલા 3 લેયર ચેકીંગ ગોઠવી દેવામાં આવ્યું છે.

ગાંધીનગર પોલીસ સહિત ગાંધીનગર રેન્જની પોલીસ અને અધિકારીઓને ગાંધીનગર ગોઠવી દેવામાં આવ્યા છે. દરેક ચેક પોસ્ટ પર સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફરજિયાત ઓળખ પત્ર બતાવીને જ સચિવાલય તરફ જવા દેવાના આવી રહ્યા છે.

ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે જેમાં આરોગ્ય કર્મીઓ જે કોઈ સચિવાલયમાં ઘૂસીને કોઈ આંદોલન કે અન્ય ઘટના ન થાય એ માટે ખાસ પોલીસ બંદોબસ્ત અગાઉ ગોઠવી દેવામાં આવ્યો છે.

હવે આરોગ્ય કર્મીનું હડતાળ પાડવું મુશ્કેલ

રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર જઈને દર્દીઓની જીંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે. ફિક્સ-પે ના કર્મીઓ હડતાલ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા ચાલી રહી છે. આ મામલે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, 1981 (ESMA) હેઠળ હવે સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. અગાઉ રાજ્યમાં પોલીસ, ઊર્જા જેવા મહત્ત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિઆવશ્યક સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


Related Posts

Load more