T20 વર્લ્ડ કપની 31મી મેચમાં નેપાળ માત્ર 1 રનથી મેજર અપસેટથી ચુકી ગયું હતું. દક્ષિણ આફ્રિકા સામેની આ મેચમાં નેપાળને જીતવા માટે 116 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આ સહયોગી ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 114 રન જ બનાવી શકી હતી. આ T20 વર્લ્ડ કપમાં અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો, જો નેપાળ સાઉથ આફ્રિકાને હરાવવામાં સફળ થયું હોત તો તેની પણ ગણતરી અમેરિકાની સાથે થઈ હોત. તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકાની આ જીતનો હીરો તબરેઝ શમ્સી હતો જેણે નેપાળને 4 વિકેટ લઈને જીતતા અટકાવી હતી.
સાઉથ આફ્રિકાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને રીઝા હેન્ડ્રીક્સની 43 રનની ઇનિંગની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. હેન્ડ્રીક્સ બાદ ટ્રિસ્ટન સ્ટબ્સે 18 બોલમાં સૌથી વધુ 27 રનની ઇનિંગ રમી હતી. નેપાળ તરફથી બોલિંગમાં કુશલ ભુર્તેલે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે દીપેન્દ્ર સિંહને ત્રણ સફળતા મળી હતી.116 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમને કુશલ ભુર્તેલ (13) અને આસિફ શેખ (42) તરફથી સારી શરૂઆત મળી હતી અને પ્રથમ વિકેટ માટે 35 રન જોડ્યા હતા. શમ્સીએ બંનેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ પછી અનિલ શાહે 27 રનની ઈનિંગ રમીને નેપાળને ટાર્ગેટની નજીક લઈ ગયો હતો.
નેપાળને જીતવા માટે છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી. ગુલશન ઝાએ ઓટિનિલ બાર્ટમેનના ત્રીજા બોલ પર ચોગ્ગો અને ચોથા બોલ પર બે રન ફટકારીને નેપાળને જીતની આરે લાવ્યા હતા, પરંતુ છેલ્લા બે બોલ પર તે બે રન બનાવી શક્યો નહોતો. ઝા છેલ્લા બોલ પર રનઆઉટ થયો અને નેપાળ માત્ર 1 રનથી મેચ હારી ગયું.