કોહલી વિશ્વકપના ઇતિહાસમાં આ રેકોર્ડ કરનાર પહેલો ખિલાડી બન્યો જાણો

By: nationgujarat
15 Nov, 2023

ICC વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીએ એક જ એડિશનમાં સૌથી વધુ રન બનાવવાનો સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિન તેંડુલકરે 2003 વર્લ્ડ કપમાં 11 ઇનિંગ્સમાં 673 રન બનાવ્યા હતા, વિરાટ કોહલીએ હવે તેને પાછળ છોડી દીધો છે. ભારત vs ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલ મેચમાં, વિરાટ કોહલીએ તેની ઇનિંગ્સ દરમિયાન કેટલાક અદ્ભુત રેકોર્ડ પોતાના નામે કર્યા છે, જેમાં આ મોટો વર્લ્ડ કપ રેકોર્ડ સામેલ છે. આ સિવાય વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત 50+ સ્કોર બનાવવાનો વર્લ્ડ કપ રેકોર્ડ પણ બનાવ્યો છે. વિરાટે આ મામલે સચિન તેંડુલકર અને શાકિબ અલ હસનને પાછળ છોડી દીધા છે. સચિને આ સિદ્ધિ 2003માં સાત વખત કરી હતી જ્યારે શાકિબે 2019ના વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી. વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીનો આ આઠમો 50+ સ્કોર છે.

વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-3 બેટ્સમેનોમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા વિરાટ કોહલી આ યાદીમાં ચોથા નંબર પર હતો. વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન સચિન તેંડુલકરના નામે છે. સચિને 18426 રન બનાવ્યા છે, જ્યારે બીજા સ્થાને શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારા છે, જેણે 14234 ODI રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રિકી પોન્ટિંગ હતો જેણે 13704 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચ દરમિયાન વિરાટે પોન્ટિંગને પાછળ છોડી દીધો છે અને હવે તેના ખાતામાં 13760થી વધુ રન છે.

વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ મેચમાં કેપ્ટન રોહિત શર્મા 29 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો અને આ પછી વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. ભારતે 71 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલ 79 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. આ બધા સિવાય વિરાટ કોહલીએ વધુ એક વર્લ્ડ કપ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ભારત માટે ચાર વર્લ્ડ કપ સેમિફાઇનલ રમનાર પ્રથમ ક્રિકેટર પણ બન્યો છે.


Related Posts

Load more