નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના કારણે સર્જાયેલી નાસભાગના કારણે 18 લોકોના મોત થયા છે, અનેક લોકો ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે. દુર્ઘટના બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. રેલવેએ જણાવ્યું કે, કોઈપણ ટ્રેન રદ કે સ્થગિત કરવામાં આવી નથી. કોઈપણ ટ્રેનનું પ્લેટફોર્મ પણ બદલવામાં આવ્યુ નથી. તમામ ટ્રેનો ટાઈમ ટેબલ અનુસાર ચાલી રહી છે.
જો કે, લોકોની અવરજવર અને ભીડની સ્થિતિ યથાવત છે. ફૂટ ઓવર બ્રિજ પર પણ ભીડ જોવા મળી હતી. લોકો હજી પણ ટ્રેનમાં ચડવા માટે ધક્કા-મુક્કી કરી રહ્યા છે. ટ્રેનની બારીઓમાંથી સામાન મૂકી રહ્યા છે, અંદર ઘૂસી રહ્યા છે. રેલવે તંત્રની સાથે સાથે સામાન્ય નાગરિકની પણ જવાબદારી બને છે કે, તે અન્યને મુશ્કેલી કે અગવડતા ન પડે તેનું ધ્યાન રાખે, તેમાં પણ ગઈકાલની ઘટના પર બોધપાઠ મેળવી શાંતિથી સુચારૂ રૂપે કામગીરી કરે, પરંતુ મોટી સંખ્યામાં ઉમટી પડેલા મુસાફરો હજી પણ ટ્રેન પકડવા માટે દોડમ દોડ કરી રહ્યા છે.
રેલવે પરિવહન પર અસર
ઉત્તર-પશ્ચિમ રેલવેના ચીફ કોમ્યુનિકેશન ઓફિસર કેપ્ટન શશિ કિરણે માહિતી આપી હતી કે, રેલવે સેવાઓ પ્રભાવિત થશે. ટ્રેન નંબર 15631, બાડમેર-ગુવાહાટી એક્સપ્રેસ રેલ સેવા જે 17 ફેબ્રુઆરી, 2025ના રોજ બાડમેરથી પ્રસ્થાન કરવાની હતી. તેનો રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનઉ-બારાબંકી-ગોરખપુર થઈને ઓપરેટ કરાશે. બીજી ટ્રેન નંબર 14118, ભિવાની-પ્રયાગરાજ એક્સપ્રેસ રેલ સેવા 16 ફેબ્રુઆરી, 2025ના રોજ ભિવાનીથી પ્રસ્થાન કરશે, તે પ્રયાગરાજના બદલે કાનપુર સેન્ટ્રલ સુધી જ સંચાલિત થશે. ટ્રેન નંબર 14117, પ્રયાગરાજ-ભિવાની એક્સપ્રેસ રેલસેવા 17 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના બદલે કાનપુર સેન્ટ્રલથી પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 22308, બિકાનેર-હાવડા એક્સપ્રેસ રેલ 16 ફેબ્રુઆરી, 2025ના રોજ બિકાનેરથી પોતાના નિર્ધારિત સમય કરતાં ચાર કલાક મોડી પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 15631, બાડમેર-ગુવાહાટી એક્સપ્રેસ રેલ 17 ફેબ્રુઆરી, 2025ના રોજ પોતાના નિર્ધારિત સમય કરતાં ચાર કલાક મોડી તથા ટ્રેન નંબર 12316, ઉદયપુર-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ 17 ફેબ્રુઆરી, 2025ના રોજ ઉદયપુરથી પોતાના નિર્ધારિત સમય કરતાં ચાર કલાક મોડી ઉપડશે. ઉપરોક્ત ટ્રેનને રિશિડ્યુલ કરવામાં આવી છે.
પ્લેટફોર્મ પર સ્થિતિ સામાન્ય
દિલ્હી દુર્ઘટના બાદ ઉત્તર-રેલવેના સીપીઆરઓ હિમાંશુ શેખર ઉપાધ્યાયે ગઈકાલની ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14 પર પટના તરફથી આવતી મગધ એક્સપ્રેસ અને પ્લેટફોર્મ નંબર 15 પર જમ્મુ તરફથી આવતી ઉત્તર સંપર્ક ક્રાંતિ ઉભી હતી. તે દરમિયાન ફુટ ઓવર બ્રિજ પરથી પ્લેટફોર્મ 14-15ની તરફની સીડીઓ પરથી એક મુસાફર ગબડી પડ્યો હતો. તેના લીધે અન્ય મુસાફરો પણ પડ્યા હતાં. અને નાસભાગની ઘટના બની. આ ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે. નવી દિલ્હી સ્ટેશન પર કોઈપણ ટ્રેન રદ થઈ નથી, અને કોઈપણ ટ્રેનનું પ્લેટફોર્મ બદલવામાં આવ્યુ નથી. પ્લેટફોર્મ પર સ્થિતિ સામાન્ય છે. ટ્રેનો પોતાના ટાઈમ ટેબલ અનુસાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે (15મી ફેબ્રુઆરી) મોડી રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકો મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે લોકનાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાસભાગમાં જીવ ગુમાવનારાઓમાં 9 મહિલાઓ, 4 પુરુષો અને 5 બાળકો સમાવિષ્ટ છે. પ્રયાગરાજ મહાકુંભમાં જતા મુસાફરોની ભારે ભીડ સાંજથી નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એકઠી થવા લાગી હતી, છતાં વહીવટીતંત્રે સમયસર વ્યવસ્થા અને ભીડ વ્યવસ્થાપનનું ધ્યાન રાખ્યું ન હતું.