ICCએ ક્રિકેટર પર લગાવ્યો 5 વર્ષનો પ્રતિબંધ, મેચ ફિક્સિંગ સાથે જોડાયેલો છે મામલો

By: Krunal Bhavsar
16 Aug, 2025

શ્રીલંકાના ભૂતપૂર્વ સ્થાનિક ક્રિકેટર સલિયા સામન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મેચ ફિક્સિંગમાં સંડોવણીના આરોપસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ( ICC ) દ્વારા સલિયા પર પાંચ વર્ષ માટે ક્રિકેટમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સલિયા સામને 2021માં યોજાયેલી અબુ ધાબી T10 લીગ દરમિયાન અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)ના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. આ કારણે સલિયા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ICCએ આ ટુર્નામેન્ટ માટે એક ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીની નિમણૂક કરી હતી, જેમણે સમયસર આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. સપ્ટેમ્બર 2023માં સામન સહિત આઠ લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. તેમનો પ્રતિબંધ તે જ તારીખ (13 સપ્ટેમ્બર 2023) થી અસરકારક માનવામાં આવશે જ્યારે તેમને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

39 વર્ષીય સલિયા સામન શ્રીલંકાની સ્થાનિક ક્રિકેટમાં એક જાણીતું નામ છે. ઓલરાઉન્ડર સલિયા સામને 101 ફર્સ્ટ ક્લાસ, 77 લિસ્ટ-એ અને 47 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સલિયાએ 231 વિકેટ લીધી અને 3662 રન બનાવ્યા. લિસ્ટ-એ ક્રિકેટમાં, સલિયાએ 84 વિકેટ લેવા ઉપરાંત 898 રન બનાવ્યા. સલિયા સામનના નામે ટી20 ક્રિકેટમાં 58 વિકેટ અને 673 રન છે.


Related Posts

Load more