લોર્ડ્સના મેદાન પર ટીમ ઈન્ડિયા સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે, ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ખૂબ જ ધીમી બેટિંગ કરી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં યજમાન ટીમે 4 વિકેટે 251 રન બનાવી લીધા છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન ઝડપી રન બનાવવા માટે જાણીતા છે, પરંતુ આ ટેસ્ટ મેચમાં તેઓ રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા. આ દરમિયાન, એક તરફ ઈંગ્લેન્ડના બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે કેપ્ટન શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજે બેજબોલના નામે તેમની મજાક ઉડાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મોહમ્મદ સિરાજે શું કહ્યું?
લોર્ડ્સના ટેસ્ટ મેચના પહેલા દિવસે, ઈંગ્લેન્ડના બેટ્સમેન દરેક રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. લંચ સુધીમાં, ઈંગ્લેન્ડે 83 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી યજમાન ટીમે શાનદાર વાપસી કરી અને ચા સુધી કોઈ વિકેટ પડવા દીધી નહીં. આ દરમિયાન ઇંગ્લેન્ડે 49 ઓવરમાં બે વિકેટે 153 રન બનાવ્યા હતા, પરંતુ સારી વાત એ હતી કે ટીમ ઇન્ડિયાના બોલરો ચુસ્ત બોલિંગ કરી રહ્યા હતા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓને ઇઝી સ્કોર કરવા જ ન દીધો.
ઇંગ્લેન્ડની ધીમી બેટિંગ જોઈને મોહમ્મદ સિરાજે જો રૂટને રમુજી રીતે ચીડવ્યો. તેણે કહ્યું, “બેઝબોલ ક્યાં છે, મને બતાવો જોઇએ”. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થઈ રહ્યો છે. અગાઉ, કેપ્ટન શુભમન ગિલે પણ ધીમી બેટિંગ માટે ઇંગ્લેન્ડ પર કટાક્ષ કર્યો હતો.
શુભમન ગિલે કટાક્ષ કર્યો
આ પહેલાં, ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે પણ ઇંગ્લેન્ડની ધીમી બેટિંગ પર કટાક્ષ કર્યો હતો. લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે બીજા સત્ર દરમિયાન, તેણે કહ્યું, “હવે મનોરંજક ક્રિકેટ નહીં, મિત્રો… કંટાળાજનક ક્રિકેટમાં આપનું સ્વાગત છે”. ગિલે આ ટીક ત્યારે લીધી જ્યારે જો રૂટ અને ઓલી પોપે સતત 28 ડોટ બોલ રમ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે શાનદાર બેટિંગ કરી. પહેલા દિવસની રમતના અંત સુધી તે 99 રન પર રમી રહ્યો છે, જ્યારે બેન સ્ટોક્સ 39 રન પર રમી રહ્યો છે. જો રૂટ તેની સદીથી માત્ર એક રન પાછળ છે. આ ઉપરાંત, ઓલી પોપે 44 રનની ઇનિંગ રમી. ઓપનર બેન ડકેટ 23 રન બનાવીને અને જેક ક્રોલી 18 રન બનાવીને આઉટ થયા.
દિવસની રમતના અંત સુધીમાં, ઇંગ્લેન્ડે ચાર વિકેટે 251 રન બનાવી લીધા છે. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ બે વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને 1-1 સફળતા મળી છે.