સારંગપુર-કાલુપુર બ્રિજ આગામી દિવસોમાં બંધ કરાશે, જાણી લો ટ્રાફિક ક્યાં ડાયવર્ટ કરાયો

By: nationgujarat
04 Nov, 2024

અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનના કારણે કાલુપુર-સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ કારણસર રેલવે સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

439 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાશે 

રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાનું કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.

કાલુપુરનો મુખ્ય રોડને બંધ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરાયો

કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે શરૂ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના મુસાફરો બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ ફૂટ બ્રિજનો ઉપયોગ કરી શકશે. મુસાફરોએ મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે, તેનો ઉપયોગ કરી શકશે.

સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતા લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીંધી માર્કેટથી પાંચકુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે. જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતીમહેલ હોટલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે. કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન-વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે.

ગાંધી આશ્રમ રોડ કાયમી બંધ થશે

બીજી તરફ હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે. જેને લઈને તારીખ નવમી નવેમ્બર, 2024 બાદથી ગાંધી આશ્રમ રોડ કાયમી માટે બંધ થઈ જશે. જેને લઈને ગાંધી આશ્રમ જવા માટે એક અન્ય રૂટ શરુ કરાયો છે અને બે નવા પાર્કિંગ પ્લોટ પણ બનાવી દેવામાં આવ્યા છે. નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં રાજ્ય સરકાર સાથે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ અંગે બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધિકારીઓ સહિત આશ્રમના સત્તાધીશો હાજર રહેશે.

કાલુપુર-સારંગપુર બ્રિજ ઉંદરોએ કોતરી નાખ્યો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કાલુપુર-સારંગપુર બ્રિજને ઉંદરોએ કોતરી કાઢતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હોવાનો દાવો કરાયો હતો. બ્રિજની ઉપર લોખંડની ગ્રીલ પણ ઉંદરો કોતરી ગયા છે. આ મુદ્દે અમદાવાદ મહા નગરપાલિકાના કાઉન્સિલ ઇકબાલ શેખે AMC કમિશનરને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ આ બ્રિજના સમારકામનો નિર્ણય લેવાયો હતો.


Related Posts

Load more