Pet Dogs Rule: અમદાવાદમાં હાલમાં પાલતુ કૂતરાં રાખવા માત્ર રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. એક મહિનાના સમયમાં પાલતુ કૂતરાં રાખવા અંગેના નિયમો વધુ કડક બનાવાશે. શહેરમાં કાંકરિયા લેક ફ્રન્ટ,સાબરમતી રિવરફ્રન્ટ ઉપરાંત બાગ બગીચા જેવા પબ્લિક ગેધર પ્લેસ ઉપર પાલતુ કૂતરાં લઈ જવા ઉપર નિયંત્રણ મુકવામાં આવશે. સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પાલતુ કૂતરાં રાખવા માલિકોની જવાબદારી નકકી કરાશે.
પાંચ મહીનાથી અમદાવાદ મ્યુનિ.દ્વારા પેટ ડોગ રજિસ્ટ્રેશન પોલીસી અમલમાં મુકેલી છે. હાથીજણ વિસ્તારમાં સોમવારે બનેલી ઘટના પછી હવે પેટ ડોગ રજિસ્ટ્રેશનની સાથે સાથે લાયસન્સ લેવુ પણ ફરજિયાત બનાવાશે. આ ઉપરાંત જાહેર સ્થળોએ પાલતુ કૂતરાં લઈ જવા ઉપર પણ વિવિધ પ્રકારના નિયંત્રણ લાદવામાં આવશે.
આ અંગે ચોકકસ પોલીસી બનાવી રાજય સરકારની મંજુરી મેળવ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે. હાલમાં માત્ર રજિસ્ટ્રેશન ફી લેવામાં આવે છે. નવા નિયમો અમલમાં આવ્યા પછી પેટ ડોગની લેટ નોંધણી કરાવનાર પાસેથી લેટ ફી લેવા ઉપરાંત પેનલટી પણ વસૂલ કરવામાં આવશે.
પેટ ડોગના મોં ઉપર માસ્ક બાંધવો પડશે
મ્યુનિ.દ્વારા પેટ ડોગ રાખવા આગામી દિવસોમાં નવા નિયમો અમલમાં મુકાશે. જે પછી જાહેર સ્થળોએ પેટ ડોગ લઈ જવા માલિકોએ ડોગના મોં ઉપર માસ્ક બાંધવો પડશે. ઉપરાંત જયાં લોકો વધુ સંખ્યામાં હોય ત્યાં ડીસ્ટન્સ રાખી મજબૂત સાંકળ સાથે બાંધીને રાખવો પડશે.