બિલ્ડરોના લોચા સામે આવતા રેરાએ લાગુ કર્યો નવો નિયમ, હવેથી પ્રોપર્ટી સ્કીમમાં આટલું કરવું પડશે

By: nationgujarat
31 Dec, 2024

Ahmedabad Property Market : પ્રોજેક્ટ લેટ થવાની ગુજરાતભરના બિલ્ડરોની વધી રહેલી ફરિયાદને પગલે રેરાએ એક મોટું પગલું ભર્યું છે. આવતીકાલ 1 જાન્યુઆરીથી હવે બિલ્ડરોએ હવે એક પ્રોજેકટના ત્રણ એકાઉન્ટ જુદા-જુદા રાખવા પડશે. હવેથી બિલ્ડરો એક જ એકાઉન્ટમાં વહીવટો નહિ કરી શકે.

રેરાએ કેમ ભર્યું આવું પગલું
ગુજરાતમાં પ્રોપર્ટી માર્કેટ હરણફાળ ભરી રહ્યું છે. લોકો નવી સ્કીમ લોન્ચ થતા જ તેમાં બુકિંગ કરાવી રહ્યા છે. પરંતું તેમને મકાન કે ફ્લેટના પઝેશન મોડા મળી રહ્યાં છે. બિલ્ડરો સ્કીમ પૂરી કરવામાં લાંબો સમય કાઢી રહ્યાં છે. બિલ્ડરોના પ્રોજેક્ટ મોડા થવાની અનેક ફરિયાદો રેરા સુધી પહોંચી છે. જેના અનેક તારણો બહાર આવ્યા છે. રેરાને મળતી ફરિયાદ મુજબ, બિલ્ડરો એક પ્રોજેક્ટના રૂપિયા અન્ય પ્રોજેક્ટમાં ફેરવી દેતા હોય છે. તેથી રેરાએ બિલ્ડરો પર ગાળિયો કસવા નવો નિયમ બનાવ્યો છે. અગાઉ અનેક બિલ્ડરો એક જ એકાઉન્ટ રાખતા હતા અને એક પ્રોજેક્ટના રૂપિયા અન્ય પ્રોજેકટમાં પણ ફેરવી દેતા હતા. પરંતું હવેથી એક પ્રોજેક્ટના ત્રણ અલગ અલગ એકાઉન્ટ રાખવા પડશે. પ્રોજેક્ટમાં પારદર્શિતા લાવવા માટે આ નિયમ લાગુ કરાયો છે. રેરાના નવા નિયમ મુજબ, બિલ્ડરના જેટલા પ્રોજેક્ટ તેટલા એકાઉન્ટ ખોલવવા પડશે. એક પ્રોજેક્ટના ત્રણ અલગ અલગ એકાઉન્ટ હશે. એટલું જ નહિ, બિલ્ડરોએ આવેલા ફંડનો યોગ્ય રીતે વહીવટ કરવો પડશે. આવતી રકમ કયા કયા ખાતામાં નાંખવી અને ક્યાં ઉપાડવી તેના પર ખાસ ધ્યાન રાખવું પડશે. આ એકાઉન્ટ પર રેરા ચાંપતી નજર રાખશે.

આ 3 ખાતાં ખોલાવવા પડશે 

રેરા કલેક્શન ખાતું: 
ગ્રાહકો પાસેથી મળતી તમામ રકમ ( ટેક્સ સિવાય)આ ખાતામાં જમા કરવી પડશે. આ ખાતાના નાણા માત્ર ઓટો-સ્વીપ સુવિધા દ્વારા જ ઉપાડી શકાશે, તેમજ ઓછામાં ઓછી 70 ટકા રકમ રેરા રિટેન્શન ખાતામાં અને 30 ટકા રકમ રેરા ટ્રાન્ઝેક્શન ખાતામાં ટ્રાન્સફર કરવી પડશે. આ ખાતામાંથી નાણા ઉપાડવા માટે ચેકબુક, ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ ઓનલાઇન ઉપાડની સુવિધા બેન્ક તરફથી મળશે નહીં.

રેરા રિટેન્શન ખાતું: 
આ ખાતામાં જમા થતી 70 ટકા રકમ માત્ર જમીન અને બાંધકામના ખર્ચ માટે જ વાપરી શકાશે. તેમજ આ ખાતા પર કોઈ પણ નાણાકીય સંસ્થા દ્વારા ગુજરેરાના નિર્દેશ વગર બોજો મૂકી શકાશે નહીં. તેમજ આ ખાતામાંથી નાણાં ઉપાડવા માટે આર્કિટેક્સ, CA/એન્જિનિયર દ્વારા પ્રમાણિત ફોર્મ રજૂ કરવા પડશે.

રેરા ટ્રાન્ઝેકશન ખાતું : 
આ ખાતામાં ટ્રાન્સફર થતી 30 ટકા રકમ અન્ય ખર્ચ માટે વાપરી શકાશે.

આ ખાતાઓ બનાવ્યા બાદ પણ બિલ્ડરોએ રેરાના આપેલા ખાતાની જાળવણી અંગેના સૂચનો પર ધ્યાન આપવુ પડશે. જેમ કે, પ્રમોટરોએ રેરા કલેક્શન ખાતાની માહિતી એલોટમેન્ટ લેટર અને સાટાખતમાં ફરજિયાત પણે ઉમેરવી પડશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તેનો વહીવટ સોસાયટીને સોંપીને ગુજરેરા ખાતે ક્યુ.ઇ.ફાઇલ કરાવ્યા પછી જ આ ત્રણેય રેરા બેન્ક ખાતા બંધ કરાવી શકાશે. આ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે.


Related Posts

Load more