સામાન્ય રીતે જોઈએ તો ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. અને આ મહિનામાં હવામાન સોહામણું હોય છે. પરંતુ હાલ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે તો ફેબ્રુઆરીમાં પણ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચી ગયું છે જ્યારે મુંબઈમાં પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. રાજસ્થાનના બાડમેરમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને જયપુરમાં પણ 29 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ તમામ જગ્યાઓ પર હાલ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 5 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના પણ જતાવી છે. જેના કારણે તાપમાનનો પારો આગામી સમયમાં ગગડી શકે છે. પરંતુ મુંબઈમાં આવનારા દિવસોમાં સ્થિતિ બદલવાની સંભાવના નથી. પરંતુ આખરે આ અજીબોગરીબ વાતાવરણનું કારણ શું છે, અને કેમ ફેબ્રુઆરીમાં ગરમીનો અહેસાસ થાય છે. જો ફેબ્રુઆરીમાં આ સ્થિતિ છે તો જુન જુલાઈમાં શું થશે. મુંબઈમાં આવનારા દિવસોમાં સ્થિતિ બદલાય તેવી શક્યતા નથી. ભારતીય હવામાન વિભાગે ઓછામાં ઓછા એક અઠવાડિયાા અંત સુધી દૈનિક મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનું અનુમાન કર્યું છે. મુંબઈમાં જાન્યુઆરીના સૌથી ગરમ મહિના બાદ ફેબ્રુઆરીની ગરમી પણ રેકોર્ડ સ્તરે છે. 13 ફેબ્રુઆરીના રોજ મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને 14 ફેબ્રુઆરીના રોજ 36.7 ડિગ્રી સુધી પહોંચી ગયું. જે સામાન્યથી પાંચ ડિગ્રી વધુ હતું. 15 ફેબ્રુઆરીના રોજ ભારતીય હવામાન વિભાગના સાંતાક્રૂઝ સ્ટેશન પર મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું હતું.
દિલ્હીમાં પણ રવિવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4.2 ડિગ્રી વધુ એટલે કે 28.4 ડિગ્રી નોંધાયું. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે જાણકારી આપતા કહ્યું કે ન્યૂનતમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી ઓછું 9.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. ભેજનું સ્તર 45થી 100 ટકા વચ્ચે રહ્યું.
અચાનક કેમ પડવા લાગી ગરમી
આઈએમડી પહેલા જ પોતાના પૂર્વાનુમાનમાં જણાવી ચૂક્યું છે કે ફેબ્રુઆરીમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે અને અત્યાર સુધી દિલ્હીમાં આ મહિનામાં વરસાદ પડ્યો નથી. આ કારણ છે કે ફેબ્રુઆરીમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. લોકોને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ સાથેજ આકરો તડકો અને હવાની ગતિ ઓછી હોવાથી તાપમાનમાં વધારો થયો છે.
મુંબઈમાં કેમ અચાનક વધ્યું તાપમાન
આઈએમડી મુંબઈના ડાયરેક્ટર સુનીલ કાંબલેએ કહ્યું કે બપોર સુધી પૂર્વી વાયરા રહે છે. ત્યારબાદ પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમી થઈ રહી છે. જેનાથી દિવસના સમયે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. કાંબલેએ વધુમાં કહ્યું કે બપોરે ઉત્તર પશ્ચિમી વાયર દિવસના તાપમાનમાં વધારાનું કારણ બને છે જ્યારે સવારે પૂર્વી વાયરા ઠંડા હોય છે. સામાન્યથી વધુ તાપમાન ચાલુ અઠવાડિયામાં પણ રહે તેવી શક્યતા છે.
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ આઈએમડીએ ફેબ્રુઆરીમાં વરસાદ લાવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરી ઉપર પણ ચિંતા જતાવી છે. આ હવામાન પેટર્ન મુંબઈમાં ઠંડી ઉત્તરી વાયરા લાવે છે. જેનાથી શહેરનું તાપમાન ગગડે છે. હવામાન બ્લોગ વેગરીઝ ઓફ વેધર લખનારા રાજેશ કાપડિયાએ કહ્યું કે, શહેરમાં આવતા ઉત્તર-પશ્ચિમી પવન અરબ સાગર ઉપર એક એન્ટીસાઈક્લોનિક સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થયા છે. કાપડિયાએ કહ્યું કે, સાગરમાં પશ્ચિમી તટ પર એન્ટીસાઈક્લોન સિસ્ટમના કારણે હવાની દિશા દક્ષિણાવર્ત જોવા મળી રહી છે. જેનાથી ઉત્તર પશ્ચિમી વાયરા ફૂંકાઈ રહ્યા છે. સ્કાઈમેટ વેધર સર્વિસિઝના મહેશ પલાવતે કહ્યું કે, દિવસમાં આકાશ ચોખ્ખું રહેવાની અને કડક તડકો નીકળવાના કારણે મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. આ સાથે જ રાતે ઠંડી પણ ઝડપથી વધી છે.
મુંબઈમાં ફેબ્રુઆરીમાં આટલી ગરમી સામાન્ય?
જો કે હાલ ફેબ્રુઆરીમાં જે ગરમીની સ્થિતિ છે તે અસામાન્ય લાગી રહી છે પરંતુ જો આઈએમડીના આંકડા જોઈએ તો જાણવા મળે છે કે ફેબ્રુઆરીમાં આવા ગરમ દિવસો સામાન્ય નથી. ફેબ્રુઆરી 2024માં મુંબઈમાં મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ફેબ્રુઆરી 2023માં સૌથી ગરમ દિવસ પર દિવસનું તાપમાન 37.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. ફેબ્રુઆરીનો સૌથી ગરમ દિવસ 1966માં જોવા મળ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાન 39.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું.
જો કે ફેબ્રુઆરીમાં 24 કલાકના ચક્રમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેનું અંતર અસામાન્ય છે. રાજેશ કાપડિયાએ કહ્યું કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં દિવસના મહત્તમ અને રાતના લઘુત્તમ તાપમાનમાં મોટું અંતર સામાન્ય રીતે માર્ચ મહિનામાં જોવા મળતું હોય છે. પરંતુ આ વખતે ફેબ્રુઆરીમાં જ જોવા મળી રહ્યું છે. ગરમી સામાન્ય રીતે માર્ચમાં જ શરૂ થતી હોય છે. જો કે આઈેમડી પાસે ઠંડીની સીઝન પૂરી થવાની અને ઉનાળાની શરૂઆતની કોઈ અધિકૃત તારીખ નથી. આઈએમડી મુજબ આગામી 4-5 દિવસ સુધી તાપમાન વધુ રહેવાની શક્યતા છે અને 22 ફેબ્રુઆરીના રોજ મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો કે ગુરુવાર બાદ ગરમીના સ્તરમાં થોડો ઘટાડો થઈ શકે છે. એન્ટીસાઈક્લોન નબળા પડવાની અપેક્ષા છે.