RCBએ 17 વર્ષમાં પહેલું ફ્રેન્ચાઇઝી ટાઇટલ જીત્યું,કોહલીએ વીડિયો-કોલ કરી અભિનંદન પાઠવ્યા

By: nationgujarat
18 Mar, 2024

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ફ્રેન્ચાઇઝીએ રવિવારે તેનું પ્રથમ લીગ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 2008માં લીગ ક્રિકેટ રમવાની શરૂઆત કરનાર RCBને મહિલા ટીમ સાથે 16 વર્ષ બાદ સફળતા મળી. ટીમે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

મેન્સ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાને RCBની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. ફાઈનલ પtરી થયા બાદ વિરાટે વીડિયો કોલ કર્યો અને મંધાના સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. મંધાનાએ મેચ બાદ એમ પણ કહ્યું કે, ‘ઈસ બાર ઈ સાલા કપ નામદે નહીં, ઈ સાલા કપ નામદુ.’

મંધાનાએ કહ્યું- કોહલીને ખુશ જોઈને આનંદ થયો
મેચ પૂરી થયા બાદ પ્રેસ-કોન્ફરન્સમાં મંધાનાએ કહ્યું, ‘વીડિયો કોલ દરમિયાન હું વિરાટના શબ્દો યોગ્ય રીતે સાંભળી શકી ન હતી. સ્ટેડિયમમાં ખૂબ જ ઘોંઘાટ હતો, પરંતુ તેમના ચહેરા પર ખુશી હતી. આ જોઈને મને સારું લાગ્યું. છેલ્લી સીઝન ખરાબ ગયા બાદ તેમણે આખી ટીમ સાથે વાત કરી અને અમને વિશ્વાસ અપાવ્યો. જ્યારે હું બેંગલુરુ પહોંચીશ ત્યારે હું ચોક્કસપણે તેમની સાથે વાત કરીશ.

‘ઈ સાલા કપ નામદે’ નહીં, ‘ઈ સાલા કપ નામદૂ’
સ્મૃતિ મંધાનાએ WPL ચેમ્પિયન ટ્રોફી પ્રાપ્ત કરતી વખતે તેના ફેન્સનો આભાર માન્યો હતો. તેણે કહ્યું, “મેં RCB જેટલા વફાદાર ફેન્સ ક્યારેય જોયા નથી. દર વર્ષે બધા કહેતા હતા, ‘ઈ સાલા કપ નામદે, ઈ સાલા કપ નામદે,’ તો આ વખતે ‘ઈ સાલા કપ નામદુ.’ આખરે અમે કપ જીત્યો.”

‘ઈ સાલા કપ નામદે’ કન્નડ ભાષામાં એક વાક્ય છે, જેનો અર્થ છે ‘આ વર્ષનો કપ આપણો છે’. જ્યારે ‘ઇ સાલા કપ નામદુ’ એટલે કે ‘આ વર્ષનો કપ આપણો થયો’. RCBએ કપ જીતતાની સાથે જ બેંગલુરુ શહેરમાં વિજયની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ચાહકોએ આખી રાત ‘RCB-RCB’ના નારા લગાવ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

કોહલી રવિવારે જ ભારત પહોંચ્યો હતો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી રવિવારે જ ભારત પહોંચ્યો હતો. તે તેના બીજા બાળક ‘અકાય’ના જન્મ માટે પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે લંડન ગયો હતો. અકાયનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો. આ માટે વિરાટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક પણ લીધો હતો અને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ પણ રમી ન હતી.

વિરાટ ટૂંક સમયમાં RCBના ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થવાની આશા છે. કોહલી 2008થી RCBનો ભાગ છે. એક ખેલાડી તરીકે તેણે 2009 અને 2011માં RCB માટે IPL ફાઈનલ રમી હતી, પરંતુ ટીમ જીતી શકી નહોતી. 2016માં તેની કેપ્ટનશિપ હેઠળ તેણે ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી, પરંતુ ટીમ હૈદરાબાદ સામે 8 રનથી હારી ગઈ હતી.


Related Posts

Load more