Vav Election By Election: ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એક્ટિવ થઇ ગયા હતા.
વાવ બેઠક ખૂબ જ મહત્વની ગણવામાં આવી છે. કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એકમાત્ર આ સીટ પર જીત મેળવી હતી. જેથી આ સીટ પર વિજય મેળવો તે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે, જ્યારે ભાજપ આ સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. કારણ કે તેણે ગુજરાતમાં વાવ સીટને બાદ કરતાં તમામ સીટો પર વિજય પરચમ લહેરાવ્યો હતો. જેથી ભાજપ માટે વાવ બેઠક અસ્તિત્વના જંગ સમાન છે.
આજે ભાજપ અને કોંગ્રેસે બંને પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસમાંથી ઠાકરશી રબારી, કે.પી. ગઢવીના નામો ચર્ચામાં હતા. આ બધી ચર્ચામાં પૂર્ણવિરામ મૂકતાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત પર પોતાની પંસદગીનો કળશ ઢોળ્યો છે અને આજે સત્તાવાર જાહેરાત કરી છે. તો બીજી તરફ ભાજપમાંથી ઉમેદવારોનું લાંબુ લિસ્ટ હતું. પરંતુ ભાજપે છેલ્લી ઘડીએ સ્વરૂપજી ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેથી હવે વાવ બેઠક પર રાજપૂત VS ઠાકોરનો જંગ જામશે.
વાવ બેઠકના જાતિગત સમીકરણ
વાવ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 3,10,681 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ રાજપૂત અને ચૌધરી સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. એટલું જ નહી આ બેઠક પર દલિત, રબારી અને બ્રાહ્મણ સમાજના મતદારો બાજી પલટી શકે છે. આવો વિગતવાર જાણીએ કઇ જાતિના કેટલા મતદારો છે.
કુલ મતદારો– 3,10,681
ઠાકોર– 44000
રાજપૂત– 41000
ચૌધરી– 40000
દલિત– 30000
રબારી– 19000
બ્રાહ્મણ– 15000
મુસ્લિમ– 14500
3.10 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારનું ભાગ્ય
વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3.10 લાખ મતદારો છે, જેમાં 1.61 લાખ પુરુષ જ્યારે 1.49 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલિંગ સ્ટેશન છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર 7 સખી મતદાન મથકો, એક આદર્શ મથક તથા એક PWD અને એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે 1400થી વધુ અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે અને નિષ્પક્ષ અને ન્યાય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય છે.
ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર
કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: વાવ બેઠક પર જામશે રસાકસીભર્યો જંગ, ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી
વર્ષ 2022માં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા સ્વરૂપજી
સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022માં વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યાં હતાં. જેમા તેમની હાર થઈ હતી. ગેનીબેન ઠાકોરને 102513 મત મળ્યા હતા, જ્યારે સ્વરૂપજી ઠાકોરને 86912 મત મળ્યા હતા. એટલે કે સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15,601 મતથી હારી ગયા હતા.
ઠાકોર સમાજના અગ્રણી છે સ્વરૂપજી
સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.