રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ બાદ આજે ચૂંટણી, ધારાસભા જેવો માહોલ

By: nationgujarat
17 Nov, 2024

રાજકોટ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાનાર છે.  વર્ષે 10 હજાર કરોડ રૂપિયાનો બીઝનેસ, 3.32 લાખ શેર હોલ્ડર્સ ધરાવતી અને પાંચમી ઓક્ટોબર 1953માં સ્થપાયેલી 59 સભ્યોએ 5 હજાર રૂપિયાથી ઓછી મુડી સાથે શરુ કરેલી બહુરાજ્ય રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ રહી છે.

ધારાસભા જેવો માહલ સર્જાયો

આ ચૂંટણીમાં ભાજપ-સંઘ સાથે જોડાયેલા બે જૂથો વચ્ચે તીવ્રરસાકસી હોવાથી ધારાસભા જેવો માહલ સર્જાયો છે. કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ધી કોઓપરેટીવ ઈલેક્શન ઓથોરિટીની સ્થાપના પછી અને ધી મલ્ટીસ્ટેટ કો.ઓપ.સો.એક્ટ-2002માં નવા સુધારા પછી આ પ્રકારની ચૂંટણી ગુજરાત રાજ્યમાં પ્રથમવાર થઈ રહી છે. જેમાં ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેક્ટરની નિયુક્તિ કરાઈ હતી.

આજે (17મી નવેમ્બર) સવારે ૮થી સાંજે ૪ દરમિયાન થનારા મતદાન માટે રાજકોટ ઉપરાંત જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત અને મુંબઈ ખાતે પોલીંગ બુથ ઊભા કરાયા છે અને પોલીંગ સ્ટાફને ત્યાં રવાના કરાયો છે. કલેક્ટરે 35 પોલીંગ સ્ટાફ અને 21 રિઝર્વ સ્ટાફના ઓર્ડર કર્યા હતા.

જેતપુરમાં મહિલા દ્વારા સંચાલિત બુથ રહેશે. દરેક સ્થળે 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોને લઈ જવા ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે કુલ 332 ડેલીગેટ્સને મતાધિકાર છે, પ્રતિ 1000 શેર હોલ્ડર્સ દીઠ અગાઉ એક ડેલીગેટની નિયુક્તિ કરવામાં આવી હતી. ભાજપ-સંઘના એક જૂથે ચૂંટણી જીતવા સહકાર પેનલ બનાવી છે અને તે સામે બેંકમાં ભ્રષ્ટાચાર દૂર કરવાનો હેતુ દર્શાવીને બીજા જૂથે સંસ્કાર પેનલ ઊભી કરાઈ છે. જનરલ સીટ માટેની 13 બેઠકો માટે 23 ઉમેદવારો મેદાનમાં છે, અને 2 મહિલા અનામત સીટ માટે 3 ઉમેદવારો વચ્ચે જંગ છે. ચૂંટણી બેંકની છે, પરંતુ ધારાસભા જેવો માહૌલ રાજકીય નેતાઓએ સર્જી દીધો છે


Related Posts

Load more