Rajkot: રાજકોટઃ હજી ઉનાળાની શરૂઆત થઇ રહી છે ત્યાં સૌરાષ્ટ્રવાસીઓ માટે ચિંતાના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ડેમોની સ્થિતિએ પાણીની ચિંતા વધારી દીધી છે. 141માંથી 9 ડેમો ખાલી થઇ ગયા છે. પાંચ ડેમોમાં માત્ર એક ટકા પાણીનો સંગ્રહ છે.
ઉનાળાની શરુઆત થતાં જ સૌરાષ્ટ્ર વાસીઓને પાણી પૂરું પાડતા ડેમો તળિયા ઝાટક થવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 9 ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે તો 5 ડેમોમાં પાણી માત્ર એક ટકા જેટલું વધ્યું છે. બીજી બાજુ 20 જેટલા ડેમોમાં 90 ટકા ખાલી થયા 10 ટકા જેટલો પાણીનો જથ્થો વધ્યો છે. હવે સૌરાષ્ટ્રવાસીઓ પાણી માટે નર્મદા આધારિત જ રહેવું પડશે. જોકે સરકાર દ્વારા સૌની યોજના મારફત પાણી પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના ખેડૂતોને પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ ફરી એકવાર પેદા થઇ છે. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મરચાંના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયા છે. યાર્ડમાં હાલમાં મરચાંની ગાડીઓને જમાવડો થયો છે પરંતુ ભાવોમા 50 ટકા કમી આવી છે, આ પહેલા મરચાંનો ભાવ 5000 થી 6000 સુધીનો હતો, તે ઘટીને 2000 થી 3000 સુધીનો થઇ ગયો છે.
રાજકોટમાં ફરી એકવાર ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડુંગળી પકવતાં ખેડૂતો બાદ હવે મરચાંના ખેડૂતો રડી રહ્યાં છે. હાલમાં ગોંડલ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે, પરંતુ ભાવોમાં ગયા વર્ષ કરતાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે, આ ઘટતા ભાવોને લઇને ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ પહેલા ડુંગળીના ખેડૂતોની સાથે પણ આ જ સ્થિતિ ઉભી થઇ હતી. હાલમાં રાજકોટમાં એક જ દિવસમાં 12,500 ભારી કરતાં વધારે મરચાંની આવકો થઈ રહી છે. દેશી મરચા કરતા હવે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સાનિયા, રેવા 702 મરચાંની પુષ્કળ આવકો થઈ છે. ગયા વર્ષે યાર્ડમાં એક મણ મરચાંના 5000 થી 6000 ભાવ હતા, તે આ વર્ષે 50 ટકા ઘટ્યા છે. હાલમાં 2000 થી 3200 રૂપિયા ખેડૂતોને એક મણના ભાવ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગોંડલ સહિતના વિસ્તારોમાં મરચાંનું વાવેતર થાય છે. રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પણ મરચાંનું વાવેતર છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક થઇ. મરચાની 85 હજાર ભારીની આવકથી યાર્ડ ઉભરાયું હતું. યાર્ડ બહાર મરચાં ભરેલા 1700 થી 1800 વાહનોની લાંબી કતાર જોવા મળી છે. અમુક ખેડૂતો તો લુપ્ત થતા બળદગાડામાં મરચાં વેચવા માટે યાર્ડમાં આવ્યા હતા. ગગડતી બજાર વચ્ચે હરાજીમાં મરચાંના 20 કિલોના ભાવ એક હજારથી ત્રણ હજાર 300 સુધી બોલાયા હતા. અત્યાર સુધીમાં મરચાંના ભાવમાં રૂપિયા બે હજારનો ઘટાડો નોંધાયો છે.